રાજકોટ/ અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારી સસ્પેન્ડ,પૂર્વ TPO સાગઠિયાને બચાવવા રેકોર્ડમાં છેડછાડનો આરોપ
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ATPO રાજેશ મક

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ATPO રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૂર્વ TPO મનસુખ સાગઠિયાને બચાવવા માટે રાજેશ મકવાણાએ રેકોર્ડમાં છેડછાડ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે આ ઘટનામાં અત્યાર સુધી રાજકોટ મહાનગર પાલિકાના 8 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તત્કાલીન PIને પણ સસ્પેન્ડ કરાયા હતા
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ ઘટનાની તપાસ કરી રહેલી SITના રિપોર્ટ બાદ વર્ષ 2021ના PI વી.એસ. વણઝારા PI ધોળાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 2021માં આ બંને PI રાજકોટમાં હતા જેના માટે એસઆઇટી એ બંનેની જવાબદારી ફિક્સ કરી છે. ગૃહ વિભાગના રિપોર્ટ બાદ રાજ્યના DGP દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
મનસુખ સાગઠિયા પાસેથી 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012ની સાલથી લઈ 2024ની સાલ દરમિયાન સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ.10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતાં ગુનો દાખલ કર્યો હતો.
જે-તે વખતે એસીબીએ (ACB) તપાસ કરતાં ભૂ તપાસ સાગઠિયા અને તેના પરિવારના નામે અનેક મિલકતો મળી આવી હતી. જેમાં સોખડા અને ગોમટામાં બે પેટ્રોલપંપ, સોખડામાં ત્રણ ઈન્ડસ્ટ્રીયલ ગોડાઉન, ગોમટામાં નવી બંધાતી હોટેલ, ફાર્મ હાઉસ, ખેતીની જમીન ઉપરાંત ગોંડલના ચોરડીમાં પણ ખેતીની જમીનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શાપરના ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ગેસ ગોડાઉન, પડધરીના મોવૈયામાં પ્લોટ, યુનિ. રોડ પર અનામિકા સોસાયટીમાં નવા બંધાતા બંગલો, માધાપરની આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ, અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં બે ફલેટ, કાર સહિતના 6 વાહનોનો પણ સમાવેશ થાય છે.








