નવસારીમાં નશીલા પદાર્થના વેચાણનો પર્દાફાશ, હાઈબ્રિડ ગાંજા સાથે એક ઝડપાયો, સપ્લાયર ફરાર
નવસારી ટાઉન પોલીસે દશેરા ટેકરી વિસ્તારમાંથી ગાંજાના વેચાણ પ્રકરણમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આ વિસ્તા

નવસારી ટાઉન પોલીસે દશેરા ટેકરી વિસ્તારમાંથી ગાંજાના વેચાણ પ્રકરણમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આ વિસ્તારમાંથી સુફિયાન શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. જેની પાસેથી કુલ 53.4 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. જેમાં 41.88 ગ્રામ વનસ્પતિજન્ય અને 11.52 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો સમાવેશ થાય છે. આ ગાંજાની કિંમત 34,997 આંકવામાં આવી છે.
સપ્લાયર ફરાર
પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 45,818નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ ગાંજાનો જથ્થો વ્યારાના રહેવાસી રેખાબેન પાસેથી મેળવવામાં આવ્યો હતો. હાલ આ મહિલા સપ્લાયર ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ટાઉન પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના બાદ નવસારી શહેરમાં ગાંજાના વેચાણને લઈને પોલીસે વધુ સઘન તપાસ શરૂ કરી છે અને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે.
વિદ્યાર્થીની સંડોવણી બહાર આવી
ભૂતકાળમાં પણ નવસારી ગ્રામ્ય પોલીસ મથક હદ વિસ્તારમાં SOG દ્વારા બુબા કુશ નામનો દુર્લભ ગાંજો ઝડપી પાડી નવસારી શહેરમાં ગાંજાના વેચાણ પ્રવૃત્તિને ઉજાગર કરી હતી, જેમાં અગ્રવાલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંડોવણી પણ બહાર આવી હતી, જે કેસમાં કેટલાક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે ફરીવાર ગાંજાનો જથ્થો ઝડપાતા, સંસ્કારી નગરી નવસારીમાં પણ મેટ્રો સિટીનું દુષણ ગણાતું ચરસ ગાંજા નું ઘરે કાયદેસર વેચાણ, વપરાશ દિવસે દિવસે વધતા તેને રોકવું પોલીસ માટે પડકારરૂપ બન્યું છે.








