સુરતના રાષ્ટ્રપ્રેમી યુવાનનું વિશ્વ અંગદાન દિવસે અંગદાન, હ્રદય,ફેફસાં,લિવર અને કિડનીના દાનથી પાંચને જીવનદાન
અંગદાનમાં અગ્રેસર સુરતમાંથી વિશ્વ અંગદાન દિવસે જ યુવકના અંગોનું દાન કરવામાં આવ્યુ છે. રાષ્ટ્રપ્રેમી યુ

અંગદાનમાં અગ્રેસર સુરતમાંથી વિશ્વ અંગદાન દિવસે જ યુવકના અંગોનું દાન કરવામાં આવ્યુ છે. રાષ્ટ્રપ્રેમી યુવક અકસ્માતે બ્રેઈનડેડ જાહેર થયો હતો. જેથી 25 વર્ષીય રજનીભાઈ પટેલના હ્રદય,ફેફસાં,લિવર અને કિડનીના દાનથી પાંચને જીવનદાન મળ્યું હતુ. પટેલ પરિવારની માનવતાએ સમાજમાં નવો રાહ ચિંધ્યો છે.
અજાણ્યા વાહનની ટક્કરથી બ્રેઈનડેડ
સુરતમાં ગત તા.૧૧-૦૮-૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે ત્રિરંગા સન્માન યાત્રામાં ભાગ લેવા માટે બંને ભાઈઓ પહોચ્યા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ સોસિયો સર્કલ બ્રિજ ઉતરતા હતા. એ દરમ્યાન કોઈ અજાણ્યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી. ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ અને બંને ભાઈઓ જમીન ઉપર પટકાયા હતા, તેમજ રજનીભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજા થતા રાહદારીઓ દ્વારા ૧૦૮ મારફતે તેમને સીવીલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમજ ત્યાં પ્રાથમિક સારવાર કરાવી હતી, વિશેષ સારવાર કરવા માટે તેઓએ યુનિટી હોસ્પિટલ , પર્વત પાટીયા, સુરત ખાતે દર્દીને સારવાર માટે લઈ આવ્યા હતા જ્યા રજનીભાઈની પરિસ્થિતિ જોતા આઈ.સી.યુ. માં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. બે દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડો. નિસર્ગ પરમાર, ડો.શિવમ પારેખ, ડો. નીરજન પંચાલ દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.
પરિવારે અંગદાનનો કર્યો નિર્ણય
યુનિટી હોસ્પિટલના ચેરમેન ડો.અમિત પટેલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયા નો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને રજનીભાઈના પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ, રજનીભાઈ થી મોટાભાઈ દીક્ષિતભાઈ તેમજ પિતા અશ્વિનભાઈ એ બ્રેઈન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી અન્ય માણસોનો જીવન બચાવી શકાય એ વિષેની સંપૂર્ણ માહિતી થી વાકેફ હતા, તેમજ તેમના દાદા સ્વ, જીવરાજભાઈ બાજીદાસ પટેલ ના ચક્ષુઓનું દાન ૨૫ વર્ષ અગાઉ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, વધુમાં એમણે જણાવ્યું હતું કે આ શરીર બળીને ખાખ થવાનું છે. તો આપડે અંગદાન કરવુ જ જોઈએ. જેથી કરીને એમણે અને એના સબંધી ડો. મુકુલ પટેલ, હસમુખભાઈ, અરવિંદભાઈ, જનકભાઈ પટેલ, દિનેશભાઇ રાજપુરોહિત (કોર્પોરેટરશ્રી સુરત), નાગરભાઈ પટેલ (ટીપી ચેરમેનશ્રી સુરત) તથા યુનીટી હોસ્પિટલના ડો.અમિત પટેલ, ડો. જયદીપ રૈયાણીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયા નો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યોને પરિવારને એક જૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા.
પાંચને નવું જીવન
અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા યુનિટી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટો માં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, યુનિટી હોસ્પિટલ તથા રજનીભાઈ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હદય, લંગ્સ, લીવર, અને બંને કીડની ના અંગોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને ફરી જીવનદાન મળ્યું.
ગ્રીન કોરિડોર કરાયો
તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા યુનિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરીડોર તથા યુનિટી હોસ્પિટલથી અમદાવાદ સુધીનો ૨૭૮ કી.મીનો ૧ ગ્રીન કોરીડોર નો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.








