Ahmedabadમાં ઘરફોડ ચોરી કરતી કુખ્યાત બાપુડા ગેંગ ઝડપાઈ, 2 આરોપી હજુ ફરાર
Ahmedabad News: અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં મધ્યપ્રદેશની અંતર રાજ્ય બાપુડા ગેંગન

Ahmedabad News: અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં મધ્યપ્રદેશની અંતર રાજ્ય બાપુડા ગેંગના મુખ્ય ઇનામી સૂત્રધાર સહિત ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 13.5 લાખનો મુદ્દામાલ તથા ચોરીમાં વાપરતા સાધનો જપ્ત કર્યા છે. આ સાથે જ અમદાવાદના ત્રણ અલગ-અલગ વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે.
સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડે ગુપ્ત માહિતીના આધારે ચાંદલોડીયા રેલવે સ્ટેશન રોડ નજીકથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં પકડાયેલા આરોપીઓ પવન ઉર્ફે ભુવન ઉર્ફે જાડીયો બાપુડા ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. તેની સાથે સાથે સચીન ઉર્ફે દેવરાજ ધરમભાઈ, પરષોત્તમ ઉર્ફે વીરપ્રતાપ, સાગર હરીસિંહ ઉર્ફે કાલીયાની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે રૂ. 12 લાખની કિંમતની ઘડિયાળ, રૂ. 1.5 લાખ રોકડ રકમ અને હાઇડ્રોલિક કટર સહિત ચોરીમાં વપરાતો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે.
બાપુડા ગેંગના આરોપી ઝડપતા અગાઉ ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ગેંગના આરોપીઓને અગાઉ 3 ઘરફોડ ચોરી કરી હતી. પોલીસને તપાસ દરમિયાન આરોપીઓએ ત્રણ અલગ અલગ ઘરમાં ચોરી હોવાની કબૂલાત પણ કરી છે. જેમાં આરોપીઓએ અગાઉ ચાંદલોડિયા ખાતે આવેલી ગોપીનાથનગર સોસાયટી, નરોડા વિસ્તારમાં આવેલા સુથાર્ષ વિલા બંગલોસ અને ગોતાગામ પાસે આવેલા પટેલ વાસ ખાતે દાગીના તથા રોકડની ઘરફોડ ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે.
આ તમામ ગુનાઓ માટે સોલા હાઇકોર્ટ અને નરોડા પોલીસ સ્ટેશનો ખાતે કેસ નોંધાયા છે. તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ ચોરી પહેલા દિવસે સંબંધિત વિસ્તારમાં રેકી કરતાં અને રાતે ટાર્ગેટ કરેલી જગ્યા પર જઈને બારીના સળીયા હાઇડ્રોલિક કટરો વડે કાપીને ઘરમાં પ્રવેશ કરતા. આરોપીઓ પૈકી કેટલાક ઘરમાં ઘુસતા, જ્યારે અન્ય લોકો બહાર દેખરેખ રાખતા હતા. ચોરી બાદ દાગીના અને રોકડ રકમ તેમના મુખ્ય સૂત્રધાર “બાપુ” પાસે પહોંચાડતા હતા. જે તેને વેચી તેમાંથી મળેલી રકમ ભાગમાં વહેંચી દેતા હતા. બાપુડા ગેંગનો આરોપી પવન ઉર્ફે ભુવન બાપુડાનો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. મુખ્ય આરોપી પવન ઉર્ફે જાડીયો સામે ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૨થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તેમાં ચોરી, લૂંટફાટ, હત્યાના પ્રયાસ સહિત અલગ અલગ કલમો હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. જો કે હજી પણ બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.






