મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતની સંસ્કૃતિને સીદ્દી સૈયદની જાળી સાથે કઇ લેવા દેવા નથી, નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદન

મહેસાણાના કડી ખાતે ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજ દ્વારા સમુહલગ્નનું

ગુજરાતની સંસ્કૃતિને સીદ્દી સૈયદની જાળી સાથે કઇ લેવા દેવા નથી, નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદન

મહેસાણાના કડી ખાતે ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહલગ્નમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, સીદ્દી સૈયદની જાળીનો ગુજરાત સાથે કોઇ સંબંધ નથી. નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મહત્ત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્નીને લઇને સીદ્દી સૈયદની જાળી બતાવવા માટે લઇ ગયા હતા.

નીતિન પટેલે શું કહ્યું?

નીતિન પટેલે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને 550 રજવાડાઓને એક કરનારા સરદાર વલ્લભભાઇની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું હતું. નર્મદા નદીના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટિ આજે એકતાનું પ્રતિક કહેવાય છે. તમને બધાને જે મુર્તિની ભેટ આપી તે સ્ટેટચ્યુ ઓફ યુનિટિ સરદાર પટેલની ભેટ આપી છે. મારે જાહેરમાં કહેવું ના જોઇએ પણ કોંગ્રેસની સરકારો હતી ત્યારે બહારથી કોઇ મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીદ્દી સૈયદની જાળી. જે અમદાવાદમાં છે અને તમે ઇતિહાસ કે ચોપડીઓમાં જોઇ હશે. આખા ગુજરાતને તેની સાથે કોઇ લેવા દેવા નથી, ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી."

નીતિન પટેલના આ નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મનીષ દોશીએ કહ્યું કે, ચર્ચામાં રહેવા માટે નીતિન પટેલ આવા નિવેદન કરે છે.

સીદ્દી સૈયદની જાળીનો ઇતિહાસ

અમદાવાદની ઓળખનું પ્રતીક સીદ્દી સૈયદની મસ્જિદની કલાત્મક જાળીઓ વિશ્વ પ્રસિદ્ધ છે. આ મસ્જિદ 157-273 દરમિયાન શેખ સઈદ (જે ભૂલથી સૈયદ તરીકે ઓળખાય છે) સુલતાની નામના ઉમરાવે મુઝફ્ફર ત્રીજા(156-173 A.D.)ના સમયમાં બાંધી હતી.રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે, પણ ઈ.સ.૧૫૭૨-૭૩માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે, પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાંધવામાં આવ્યા છે.સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે રહી છે.વર્ષ 1900માં લોર્ડ કર્ઝને સીદી સૈયદની જાળીની મુલાકાત લઈને તેને સરકારી કચેરીમાં રૂપાંતર થતાં બચાવી હતી.

અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે (IIM)એ તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.

આ સમાચાર શેર કરો