Surat news: તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં નવા ઘટસ્ફોટ, આરોપી મહિલાના બેન્ક ખાતામાં લાખોના વ્યવહારો મળ્યા
સુરતના જાણિતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં આરોપી પૂનમ ભદોરીયાના બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન

સુરતના જાણિતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં આરોપી પૂનમ ભદોરીયાના બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન 92 લાખ રૂપિયાના વ્યવહારો મળ્યા છે. અગાઉ કરોડો રૂપિયાની લેવડદેવડ પણ પૂનમ ભદોરીયાએ કરી હોવાનું સામે આવ્યું છે. પૂનમ ભદોરીયાએ જોલી આર્કેડમાં બે દુકાનો પોતાના નામે લખાવી હતી તેમજ બ્લુ પોપીલોન નામની સ્કૂલ પર પણ કબજો જમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં પૂનમ ભદોરીયા સહકાર આપી રહી નથી અને તેની બહેન પ્રિયા ભદોરીયા પણ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. જ્યારે બીજી બાજુ પૂનમે પણ જમીન અરજીમાં કેટલાક પુરાવા રજૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
શું છે સમગ્ર મામલો?
મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીએ પહેલી ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. તેના મોત બાદ પરિવાર અને એક મહિલા મિત્ર સામસામે આવી ગયા હતા. તુષાર ઘેલાણીના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો કે, મહિલા મિત્ર તુષારભાઈને સતત બ્લેકમેલ કરી રહી હતી અને તેમની પાસેથી દુકાન સહિતની કિંમતી મિલકતો પડાવી લીધી હતી. તુષારભાઈ આ સંબંધોનો અંત લાવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી નહોતી. મહિલા મિત્રએ દીકરીના લગ્ન પ્રસંગે હોબાળો કરી બદનામ કરવાની ધમકી અપાતા તુષારભાઈએ અંતિમ પગલું ભર્યું.
બીજી તરફ, ધરપકડ કરાયેલી મહિલાએ પણ પોલીસમાં અરજી કરી ચોંકાવનારા દાવા કર્યા હતા. તેણે આ ઘટનાને આપઘાત નહીં પણ 'મર્ડર' ગણાવ્યું હતું. આક્ષેપ કર્યો હતો કે પરિવાર મૃતક તુષાર ઘેલાણીનો ઉપયોગ માત્ર 'એટીએમ મશીન' તરીકે કરતો હતો અને તેમને માન-સન્માન આપતો નહોતો. આ ઉપરાંત તેણે એવો પણ દાવો કર્યો હતો કે દીકરીના લગ્ન માટે તુષારભાઈએ તેની માતા પાસેથી 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.






