નવરાત્રિ આયોજકોને ગરબે રમાડશે ફાયરબ્રિગેડ, 30 શરતો સાથેની ગાઈડલાઈન કરી જાહેર
રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર

રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફ્ટી માટેના કાયદા ઓ સખત કરવામાં આવ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રિના આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. જે શરતોનો ભંગ કરવામાં આવશે તો તાત્કાલિક જ નવરાત્રિને બંધ કરાવાશે. સાથે જ ફાયરબ્રિગેડની ટીમ પણ આયોજન સ્થળે હાજર રહેશે તેમ કહેવામાં આવ્યું છે
ખેલૈયા દીઠ જગ્યા નક્કી કરાઈ
પાલિકા દ્વારા આ વખતે ફાયર સેફ્ટીના નિયમોમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે. નવરાત્રિ આયોજકોએ પંડાલમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિદીઠ એક સ્કવેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા માટે સહિત અન્ય કેટલીક શરતો રાખી છે. આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તેવું છે. આ પ્રકારની 30 જેટલી શરતો અને નિયમો જાહેર કરવામાં આવ્યાં છે.
મંજૂરી ફરજીયાત કરાઈ
નજીકના દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થશે. દર વર્ષની જેમ અનેક આયોજકોએ પંડાલ, એસી ડોમ, પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓમાં ગરબા રમવા માટેના આયોજન કર્યા છે. જેના માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવાની પ્રોસેસ પણ શરૂ કરી છે. જોકે આ વખતે ફાયર ડિપાર્ટમેન્ટ ફાયર સેફ્ટીની પરમિશનની ગાઈડલાઈન વધુ સખત બનાવી છે.ગરભા પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓનો તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે.
કાયદાઓ સખત કરાયા
ઉલ્લેખનીય છેકે, રાજકોટની ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ શહેરમાં ફાયર એનઓસી વગરની આશરે એક હજાર જેટલી મિલકતો સામે કાર્યવાહી કરી સીલ મારી દીધી હતી. તમામને ફાયર એનઓસી રિપોર્ટ રજૂ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. ત્યારબાદ અનેક મિલકતધારકોએ તાબડતોડ ફાયર એનઓસી માટેની પ્રક્રિયા શરૂ કરી એનઓસી લીધા હતા. તે ઉપરાંત પાલિકાએ હવે ફાયર એનઓસી માટેના કાયદાઓ પણ સખત કરી દીધા છે.








