એજન્સીઓના દરોડા બાદ નારોલ પોલીસ હરકતમાં: 25 ગુનામાં સંડોવાયેલો આરોપી કફ સીરપ સાથે ઝડપાયો
ઉચ્ચ અધિકારીઓના ઠપકા બાદ નારોલ પોલીસની ‘આંકડાકીય’ કાર્યવાહ

- ઉચ્ચ અધિકારીઓના ઠપકા બાદ નારોલ પોલીસની ‘આંકડાકીય’ કાર્યવાહી?”
- 25 જેટલા ગંભીર ગુના આચરી ચૂકેલો આરોપી કફ સીરપના જથ્થા સાથે ઝડપાયો
- “કાળી તીલ્લી ધોવા કાર્યવાહી? રીઢો ગુનેગાર 110 કફ સીરપ સાથે ઝડપાયો
અમદાવાદ: શહેર અને રાજ્યની વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં નારોલ વિસ્તારમાં કેમિકલ ચોરી, એનડીપીએસ (NDPS) અને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સતત કાર્યવાહીને પગલે સ્થાનિક નારોલ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા હતા. ગુનેગારો સાથે મિલીભગત હોવાના આક્ષેપો વચ્ચે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નારોલ પોલીસ ઈન્સ્પેક્ટરને કડક ઠપકો આપ્યો હતો.
ઠપકા બાદ નારોલ પોલીસની દોડધામ ઉચ્ચ અધિકારીઓના રોષનો ભોગ બન્યા બાદ નારોલ પોલીસ સફાળી જાગી છે. પોલીસે બાતમીના આધારે 25 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર સહેજાદ ઉર્ફે સજ્જુ પઠાણને ઝડપી પાડ્યો છે. પોલીસને ગણેશનગર વિસ્તારના એક છાપરામાંથી 110 નંગ કફ સીરપની બોટલો મળી આવી છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગણેશનગરમાંથી ઝડપાયો જથ્થો બાતમી મળી હતી કે આરોપી સહેજાદ છૂટક વેચાણ કરવાના ઈરાદે કફ સીરપનો જથ્થો લાવીને છાપરામાં છુપાવી રહ્યો છે. જોકે, સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે અન્ય એજન્સીઓએ જ્યારે ગાંજા અને દારૂના મોટા નેટવર્ક પકડ્યા છે, ત્યારે સ્થાનિક પોલીસ માત્ર 110 બોટલ કફ સીરપ પકડીને પોતાની ‘આંકડાકીય કામગીરી’ સુધારવાનો પ્રયાસ કરી રહી છે.
રીઢો આરોપી સહેજાદ ઉર્ફે સજ્જુ પઠાણ
4 વખત પાસા ભોગવી ચૂકેલો રીઢો આરોપી સહેજાદ ઉર્ફે સજ્જુ પઠાણ વર્ષ 2018 થી ગુનાખોરીની દુનિયામાં સક્રિય છે. તેની સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 25 ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી એકલા નારોલ પોલીસ સ્ટેશનમાં જ 18 ગુનાઓ છે. આ ઉપરાંત સરખેજ, એલિસબ્રિજ, મણીનગર, વસ્ત્રાપુર, દાણીલીમડા અને વાસણામાં પણ તેની વિરુદ્ધ ફરિયાદ થયેલી છે. આ રીઢો ગુનેગાર અત્યાર સુધી 4 વખત પાસા (PASA) હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે.
આરોપીએ કબૂલાત કરી છે કે તેણે કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી આ જથ્થો મંગાવ્યો હતો. હાલ પોલીસ તે સપ્લાયર સુધી પહોંચવા માટે મોબાઈલ નંબરના આધારે તપાસ કરી રહી છે.






