સુરતના દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવતા નારાયણ સાંઈને ઉપડ્યો દાંતનો દુઃખાવો, મેડિકલ ચેકઅપ માટે લવાયો સિવિલ હોસ્પિટલ
સુરતની સગી બહેનો પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં નારાયણ સાંઈ

સુરતની સગી બહેનો પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં નારાયણ સાંઈ દોષીત પૂરવાર થયા બાદ હાલ લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો છે. આજીવન કેદની સજા ભોગવતા નારાયણ સાંઈને દાંતમાં દુઃખાવો ઘણા લાંબા સમયથી હોવાથી તેણે સિવિલ હોસ્પિટલમાં તપાસની માગ કરી હતી. જેથી પોલીસના જાપ્તા વચ્ચે નારાયણ સાંઈને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
સાદા કપડામાં લવાયો
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લાજપોરની સેન્ટ્રલ જેલમાં બંધ પાકા કામના કૈદી નારાયણ સાંઈને આજે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં દાંત અને છાંયડો વિભાગમાં લઈ જવાયો હતો. પાકા કામના કેદી નારાયણ સાંઇએ જેલના કેદી જેવા કપડા પહેરાવવાને બદલે માથે ટોપી, ઘમછો અને સાદા ડ્રેસમાં લવાયો હતો. તેના હાથમાં હથકડી પણ ન હતી. જેથી અનેક પ્રકારની ચર્ચાઓ ઉભી થઇ હતી.
એક્સ-રે કરાયો
દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા પામેલા નારાયણ સાંઈને પોલીસ જાપ્તામાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં દાંતના વિભાગમાં તપાસ કરાવવામાં આવી હતી.ત્યારબાદ છાંયડોમાં તેના દાંતના એક્સ રે કાઢવામાં આવ્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવેલા નારાયણ સાંઈના ચહેરા પર કોઈ જ પ્રકારની ગ્લાની જોવા મળતી નહોતી.








