તમારું બેંક ખાતું પણ તો નથી બન્યું ને 'બિનવારસુ'? ગુજરાતના 78 લાખ ખાતાઓને લઈને ચોંકાવનારો ખુલાસો

દેશભરની જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી બેંકોમાં મળીને કુલ 67 હજાર કરોડ રૂપિયાથી વધુની થાપણ કોઈ દાવા વગરની પડી છે. સરકાર દ્વારા આ રકમ પરત કરવા માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, તેમ છતાં હજુ સુધી તેને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. આ પૈકી ગુજરાતના 78 લાખ જેટલા ખાતાઓમાં પણ ₹2836 કરોડની રકમ જમા છે. આ રકમ અંગે પણ કોઈએ દાવો કર્યો નથી, ત્યારે સરકાર દ્વારા આ અભિયાન અને જિલ્લા કક્ષાએ શિબિરનું આયોજન કરવામાં આવે છે, પરંતુ તેમાં લાંબી કાર્યવાહી થાય છે અને અરજદારોએ ધક્કા ખાવા પડે છે.
ખાતું નિષ્ક્રિય અને બિનદાવાકૃત ક્યારે ગણાય?
બે વર્ષ સુધી કોઈ વ્યવહાર ન થાય તો ખાતું નિષ્ક્રિય ગણવામાં આવે છે અને 10 વર્ષ સુધી કોઈ વ્યવહાર ન થાય તો બિનદાવાકૃત ગણવામાં આવે છે. દેશની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં લાખો ખાતા એવા છે, જેમાં 10 વર્ષ કરતા વધુ સમયથી કોઈ વ્યવહાર થયા નથી. જાહેર ક્ષેત્રની બેંકોમાં ₹58,330 કરોડ અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં ₹8673 કરોડ રકમ જમા થયેલી છે, જેનો કોઈ દાવેદાર નથી. 10 વર્ષ સુધી ખાતામાં કોઈ લેવડ-દેવડ ન થાય તો તેને બિનવારસુ થાપણ જાહેર કરી આ રકમ આરબીઆઈના ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
રકમ પરત મેળવવાની પ્રક્રિયા અને માર્ગદર્શન
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર એવા જૂનાગઢના અગ્રણી પ્રદિપ ખીમાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના 78 લાખ જેટલા બેંક ખાતાઓમાં ₹2836 કરોડ જેટલી રકમ જમા છે, જેના પર પણ કોઈએ દાવો કર્યો નથી. આ રકમ પરત મેળવવા માટે દાવેદારે બેંકની શાખા અથવા ઉદગમ પોર્ટલ પરથી બિનદાવા પાત્ર રકમની માહિતી મેળવી અરજી કરી શકે છે, જેમાં કેવાયસી અપડેટ કરવું પડે છે અને મૃત્યુના કિસ્સામાં વારસદારે મૃત્યુ પ્રમાણપત્ર અને કેવાયસી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. આ પ્રક્રિયા એકાદ સપ્તાહમાં થઈ શકે છે.














