જય શાહ ICC ચેરમેન તો અનાર પટેલ મુખ્યમંત્રી કેમ નહીં? 'શાહ'-'પટેલ' વચ્ચે ખુલ્લો જંગ

જય શાહ ICC ચેરમેન તો અનાર પટેલ મુખ્યમંત્રી કેમ નહીં? 'શાહ'-'પટેલ' વચ્ચે ખુલ્લો જંગ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડાપ્રધાનની પાટનગર મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં સત્તાના સમીકરણો ગમે તે ઘડીએ બદલાઈ શકે છે. રાજ્યમાં નવા નેતૃત્વની અટકળો વચ્ચે ભાજપમાં આનંદીબેન પટેલ અને અમિત શાહ વચ્ચે આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ચર્ચા તો ત્યાં સુધીની છે કે, જો કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્ર જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન બની શકતા હોય, તો અનાર પટેલને મુખ્યમંત્રી પદ કેમ ન મળી શકે તેવી દલીલ સાથે આનંદીબેન પટેલે વડાપ્રધાનને રજૂઆત કરી છે.

પુત્રીને મુખ્યમંત્રી બનાવવા આનંદીબેન પટેલે વડાપ્રધાન પર રાજકીય દબાણ વધાર્યું, પાટીદાર નેતાઓને મેદાને ઉતાર્યા

જાહેરાત

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે. તેઓ ગુજરાત પરત ફરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ દરમિયાન આનંદીબેન પટેલ હવે અનાર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે આગળ કરવા માગે છે જેના ભાગરૂપે જ તેમને ખોડલધામ સંગઠનની મોટી જવાબદારી સોંપાઈ છે જેથી પાટીદાર વર્ચસ્વ જમાવી શકાય. ભૂપેન્દ્ર પટેલની વિદાય નક્કી મનાઈ રહી છે ત્યારે આનંદીબેન પટેલે અનામત આંદોલનકારીઓને મેદાને ઉતાર્યા છે અને આંદોલનના બહાને મુખ્યમંત્રીની ખુરશી છીનવી લેવાઈ હતી તે બહાનું ધરીને સહાનુભૂતિ મેળવવા રાજકીય માહોલ ઊભો કરાઈ રહ્યો છે.

આનંદીબેનની ચાલ ઉંધી પાડવા અમિત શાહે કોળી નેતાઓને આગળ ધર્યાં, કોળી મુખ્યમંત્રીની માગ બુલંદ બનાવાઈ

બીજી બાજુ, કેન્દ્રીય ગૃહમંત્રી પણ ગુજરાતના રાજકારણમાં પર પોતાની પકડ મજબૂત રાખવા સક્રિય થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજકીય ગલિયારીમાં કહેવાઈ રહ્યું છે, અમિત શાહે મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીની પસંદગી કરી લીધી છે. જોકે, આનંદીબેન પટેલની ચાલ ઉંધી પાડવા અમિત શાહે જ વ્યૂહાત્મક રીતે કોળી સમાજના નેતાઓને આગળ કર્યા છે. દિલ્હીથી સૂચના આપતા ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગ કરીને આ ચર્ચાને વધુ હવા આપી છે.

મંત્રીમંડળમાં ફેરફાર પહેલાં 'શાહ'-'પટેલ' વચ્ચે ખુલ્લો જંગ

નોંધનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અનાર પટેલું નામ ચર્ચામાં હતું, પરંતુ અંતિમ સમયે અમિત શાહે જ આડખીલી બન્યા હતાં અને અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી દેવાઈ હતી. પરિણામે આનંદીબેનનું સપનું રોળાયુ હતું. હવે ફરી એકવાર બે દિગ્ગજ નેતાઓના સમર્થકો વચ્ચેની આ ખેંચતાણથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ તો આ તમામ બાબતો રાજકીય ગલિયારામાં ચાલતી અટકળો અને ચર્ચાઓ પૂરતી સીમિત છે, પરંતુ જો આ ખેંચતાણ વધુ તીવ્ર બનશે તો આગામી દિવસોમાં વડાપ્રધાન કયો વચલો રસ્તો કાઢે છે તેના પર સૌની નજર રહેશે.

11 વર્ષ બાદ પાટીદાર નેતાઓને આનંદીબેન પટેલ પ્રત્યે પ્રેમ ઉભરાયો

મંત્રીમંડળ અને ભાજપના પ્રદેશ માળખામાં મોટા ઉલટફેર થાય તે પહેલાં જ જ્ઞાતિવાદનું રાજકારણ તેજ બન્યું છે. તેમાંય 11 વર્ષ બાદ અચાનક જ પાટીદાર અનામત આંદોલનના નેતાઓને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રત્યે પ્રેમ ઉભરાયો છે. ભુપેન્દ્ર પટેલની વિદાય નક્કી છે ત્યારે અચાનક આનંદીબેનના રાજીનામાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. આ જોતાં ગુજરાતમાં 'પટેલ' મુખ્યમંત્રીની ખુરશી બચાવવાનો પડદા પાછળની રાજરમત શરૂ થઇ છે. ફરી એકવાર આનંદીબેન પટેલ જૂથ મેદાને પડ્યું છે જેથી ભાજપમાં આંતરિક ખેંચતાણ ચરમ સીમાએ પહોંચી છે.

આંદોલનકારીઓ સાથે પોલિટિકલ 'ફિક્સિંગ'

તાજેતરમાં જસદણમાં પાટીદાર સંમેલનમાં આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ એવું નિવેદન આપ્યું હતું કે, પાટીદાર આંદોલનને કારણે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. તેનો આજે રંજ છે. આ નિવેદન બાદ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આનંદીબેન પટેલને મુખ્યમંત્રીપદે કેમ હટાવ્યા એ મુદ્દો ચગાવવા પાછળ ભાજપ અને પાટીદાર આંદોલનકારી નેતાઓ વચ્ચે 'મેચ ફિક્સિંગ' છે.

'પટેલ' મુખ્યમંત્રીની ખુરશી બચાવવા પડદા પાછળનો ખેલ

રાજકીય ગલિયારીમાં એવી પણ ચર્ચા છે કે, આનંદીબેન પટેલના રાજીનામાના બહાને વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ખુરશી બચાવવા અને ગુજરાતના સત્તાના સિંહાસન પર પાટીદાર નેતૃત્વ અકબંધ રાખવા માટે પાટીદાર આંદોલનકારીઓની રાજનીતિ હોઈ શકે છે. વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ ભૂપેન્દ્ર પટેલના સ્થાને કયા પટેલને મુખ્યમંત્રી બનાવવા તેની કવાયત તેજ બની છે. સાથે સાથે હર્ષ સંઘવીનું નામ પણ નક્કી છે. આ રાજકીય સમીકરણોને જોતાં અનામત આંદોલનના કારણે આનંદીબેનને મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી તે મુદ્દો ચગાવી પાટીદારોનની સહાનુભૂતિ જીતવા ગોઠવણ પાડવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી અગાઉ આનંદીબેન જૂથ સક્રીય, ફરી અમિત શાહ પાટીદારોના નિશાને, ભાજપમાં જૂથવાદ વકર્યો

આનંદીબેનના બહાને પાટીદાર યુવા નેતાઓ હાઈકમાન્ડને આડકતરો સંદેશ આપવા માગે છે કે, મુખ્યમંત્રી પદે પટેલને બરકરાર રાખો. આ આખીય સોગઠાબાજી રણનીતિનો ભાગ છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આનંદીબેન જૂથ સક્રિય થયું છે. એટલુ જ નહીં, ફરી એકવાર પાટીદાર યુવાનો પર ગોળીબાર કરનાર કોણ છે એ મુદ્દો ચગાવવામાં આવ્યો છે. આ જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આનંદીબેન જૂથના નિશાને પર છે. ટૂંકમાં ભાજપાની આંતરિક જૂથબંધી ચરમસિમાએ છે. એટલે જ કોળી બાદ પાટીદારો મેદાને પડ્યાં છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત