Video: 'મુખ્યમંત્રી કોણ બનશે તે અમિત શાહ નક્કી કરે છે', પબુભાના CM પદના નિવેદન પર ગોપાલ ઇટાલિયાનો કટાક્ષ

ગુજરાતમાં કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદન બાદ હવે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે. વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પબુભા માણેકના નિવેદન પર કટાક્ષ કર્યો છે. તેમણે મુખ્યમંત્રી કોણ બનશે અને કોણ નહીં તે મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને ટિપ્પણી કરતાં રાજકીય ચર્ચા જગાવી છે.
ગોપાલ ઇટાલિયાએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, પબુભા માણેકે 50 ધારાસભ્યો સાથે અમિત શાહને મળવા જવું જોઈએ અને તેમને રજૂઆત કરવી જોઈએ કે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવામાં આવે. આ પ્રકારનો કાર્યક્રમ કરે તો કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બની શકે તેવી વાત તેમણે કરી હતી.
ગોપાલ ઇટાલીયાનો કટાક્ષ
વધુમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કોને બનાવવા અને કોને નહીં તે નક્કી કરનાર અમિત શાહ છે. આમ કહીને તેમણે પબુભા માણેકના નિવેદનને લઈને કટાક્ષ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દ્વારકામાં કોળી સમાજના માતાજીના માંડવાના પ્રસંગમાં પબુભા માણેકે ગુજરાતમાં કોળી સમાજ બીજા નંબરે હોવાનો ઉલ્લેખ કરીને સમાજમાંથી મુખ્યમંત્રી બને તેવી વાત કરી હતી. આ નિવેદન બાદ હવે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયાથી ગુજરાતના રાજકારણમાં મુખ્યમંત્રી પદ અને કોળી સમાજના રાજકીય પ્રતિનિધિત્વને લઈને ચર્ચા વધુ તેજ બની છે.








