Ahmedabad news: ધોળકામાં લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 400 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર, તમામને હોસ્પિટલ ખસેડાયા
ધોળકામાં લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 400 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

ધોળકામાં લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 400 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. અચાનક મહેમાનોની તબિયત લથડતા તેમને તાત્કાલિક ધોળકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના આરોગ્ય વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો હતો.
લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ અચાનક લોકોની તબિયત લથડી
ધોળકાના પોપટપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મહેમાનોના જમણવારમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બનતા ચકચાર મચી છે. લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ અચાનક400 થી વધુ લોકોની તબિયત લથડી હતી અને તેઓને ઝાડા-ઉલટીની અસર થઇ હતી, ત્યારબાદ તાત્કાલિક અસરે તમામને ધોળકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના આરોગ્ય વિભાગની ટીમે સર્વે હાથ ધરી વધુ તપાસ કરી રહી છે.
હાલ 100 લોકો સારવાર હેઠળ
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, મોટા ભાગના દર્દીઓને સામાન્ય લક્ષણો જણાતા તેમને દવા આપીને રજા આપવામાં આવી છે. જોકે, જે દર્દીઓમાં બ્લડ પ્રેશર (BP)માં ઘટાડો અથવા ડિહાઈડ્રેશનની વધુ અસર જોવા મળી હતી, તેમને તાત્કાલિક સઘન સારવાર આપવામાં આવી રહી છે. સદભાગ્યે, કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ચિંતા વ્યાપી છે.






