મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિદેશીઓને ગુજરાત ઘેલું લાગ્યું: 2023માં 28 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ આવ્યા ગુજરાત, આ કારણે પ્રવાસીઓ વધ્યા

પ્રવાસનનું નામ પડે એટલે ભારતમાં તમિલનાડુ, કેરળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના નામ જ આ

વિદેશીઓને ગુજરાત ઘેલું લાગ્યું: 2023માં 28 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ આવ્યા ગુજરાત, આ કારણે પ્રવાસીઓ વધ્યા

પ્રવાસનનું નામ પડે એટલે ભારતમાં તમિલનાડુ, કેરળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના નામ જ આગળ પડતા ધ્યાનમાં આવે છે. વર્ષોથી ગુજરાતનું નામ પ્રવાસન ક્ષેત્રે બહુ પાછળ રહેતું આવ્યું છે. પણ, હવે સિનેરિયો બદલાઈ રહ્યો છે. પ્રવાસન સંદર્ભે જાહેર થયેલા આંકડા ઉત્સાહવર્ધક છે. 

2023માં કુલ 28.06 લાખ વિદેશી પ્રવાસી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વર્ષ 2022ની સરખામણીમાં આ સંખ્યામાં 58% નો વધારો દર્શાવે છે. 2022માં 17.77 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા. એટલે 2023ના આંકડામાં નોંધપાત્ર છલાંગ છે. આ આંકડા ‘કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય’ના ડેટામાં જાહેર કરાયા છે. 

વિદેશી પ્રવાસીઓની મુલાકાતના મામલે ગુજરાત બીજા ક્રમે

વિદેશી પ્રવાસીઓની મુલાકાતના મામલે ગુજરાત બીજા ક્રમે રહ્યું. પહેલા ક્રમે મહારાષ્ટ્ર છે, જેની મુલાકાતે 33.87 લાખ વિદેશીઓ આવ્યા હતા. ગત વર્ષે આખા દેશમાં કુલ 1 કરોડ 92 લાખ વિદેશીઓ આવ્યા હતા. 2022માં આ આંકડો 61.9 લાખનો હતો, એના પરથી અંદાજ આવે છે કે સમગ્ર દેશમાં વિદેશી મુલાકાતીઓની સંખ્યા પ્રતિવર્ષ વધી રહે છે. 

આ કારણસર ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો રહ્યો     

ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો રહ્યો એની પાછળ બે મુખ્ય ઇવેન્ટ્સ કારણભૂત છે.

1) ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 

2) ભારતના યજમાનપદે રાજ્યમાં યોજાયેલી G20 ઇવેન્ટ

‘ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ (TAAI)ના ગુજરાતના ચેરમેન વીરેન્દ્ર શાહના જણાવવા મુજબ, ક્રિકેટ વર્લ્ડ કપને કારણે દુનિયાભરના ક્રિકેટ રસિકો અમદાવાદ આવ્યા હતા. વિશ્વ કપની પહેલી મેચ, ફાઇનલ મેચ અને ખાસ તો ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને કારણે સમગ્ર વિશ્વમાંથી ક્રિકેટપ્રેમીઓ, મીડિયાકર્મીઓ, પ્રાયોજકો, સેલિબ્રિટીઓ અને રાજકીય હસ્તીઓ ગુજરાત આવ્યાં હતાં. એ ઉપરાંત G20 સમિટના આયોજનને કારણે દુનિયાભરના દિગ્ગજ રાજકારણીઓ એમના રસાલા સાથે ગુજરાત આવ્યા હતા. જેને કારણે પણ પ્રવાસનને વેગ મળ્યો હતો.

આ સ્થળોએ ગયા સૌથી વધુ પ્રવાસીઓ

આ બંને ઇવેન્ટ દરમિયાન ગુજરાત આવેલા પ્રવાસીઓએ ઇવેન્ટ પૂરી થયા બાદ પોતાનું રોકાણ લંબાવીને ગુજરાતના અન્ય પ્રવાસન આકર્ષણોની મુલાકાત લીધી હતી, જેમાં મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર અભયારણ્ય, કચ્છનું રણ, મહત્ત્વના ધાર્મિક સ્થળો, હેરિટેજ સાઇટ્સ અને ગુજરાતના શાંત દરિયાકિનારાનો સમાવેશ થાય છે. 

આ સમાચાર શેર કરો