Morbi/ શ્રમિક શોધવા ગયેલા પ્રૌઢ હનિટ્રેપનો શિકાર બન્યા, 8 શખ્સો સામે ફરિયાદ

મોરબી શહેરમાં હનિટ્રેપનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેને સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. વાડી માટે શ્રમિકની શોધ કરી રહેલા એક નિર્દોષ પ્રૌઢને મહિલા સહિત 8 શખ્સોની ટોળકીએ નિશાન બનાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે.
શ્રમિકની શોધમાં ફસાયા પ્રૌઢ
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર પ્રૌઢ પોતાની વાડી માટે શ્રમિકની શોધમાં હતા. આ દરમિયાન પાંચાભાઈ નામના આરોપીએ તેમનો સંપર્ક કર્યો અને શ્રમિક તરીકે ખુશી નામની મહિલાનો પરિચય કરાવ્યો હતો. શ્રમિક કામની વાત કરવાના બહાને ખુશી નામની આ મહિલા પ્રૌઢની વાડીએ પહોંચી હતી.
નિર્વસ્ત્ર થઈ બાથ ભીડી અને વીડિયો ઉતાર્યા
યોજના મુજબ, વાડીએ પહોંચતા જ ખુશી નામની મહિલાએ અચાનક નિર્વસ્ત્ર થઈ પ્રૌઢને બાથ ભીડી લીધી હતી. બરાબર તે જ સમયે અગાઉથી ગોઠવાયેલા અન્ય સાત આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા અને આ દ્રશ્યોના મોબાઈલમાં ફોટો અને વીડિયો શૂટ કરી લીધા હતા. ત્યારબાદ ટોળકીએ પ્રૌઢ પર બળાત્કારની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
રૂ. 53.50 લાખની લૂંટ
બદનામીના ડરથી પ્રૌઢે આ ટોળકીની શરણાગતિ સ્વીકારી હતી. આરોપીઓએ પ્રૌઢ પાસેથી 100-100 ગ્રામના 4 સોનાના બિસ્કિટ, અઢી તોલાનો સોનાનો ચેઈન અને રોકડ રકમ પડાવી લીધી હતી. આમ, કુલ 52.50 લાખનું સોનું અને રોકડ મળીને કુલ 53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધો હતો.
8 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
અંતે હિંમત ભેગી કરી પ્રૌઢે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખુશી પટેલ, મુકેશ આલ, રામાભાઇ હાડગડા, જીલાભાઇ ભરવાડ, મનીષભાઈ ગારિયા, પાંચાભાઈ, કરણભાઈ ઉર્ફે કે.કે. વરુ અને દેવાંગ વેલાની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

