Morbi: AAPના પૂર્વ ઉપપ્રમુખ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જ્ઞાતિ વિશે અભદ્ર ટિપ્પણી કર્યાનો આરોપ

મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો વાપરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબી આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રકાંત વિરમગામા વિરુદ્ધ પોલીસે એટ્રોસિટી અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તેમની અટકાયત કરી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, આરોપી ચંદ્રકાંત વિરમગામાએ ફેસબુક પર એક ડમી આઈડી બનાવ્યું હતું. આ ફેક પ્રોફાઈલ દ્વારા તેમણે ફરિયાદીની જ્ઞાતિ પ્રત્યે અત્યંત વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. એટલું જ નહીં, તેમણે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી વિશે પણ અભદ્ર લખાણ લખ્યું હતું અને પક્ષના અન્ય કાર્યકરોને બેફામ ગાળો આપી હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે, ચંદ્રકાંત વિરમગામા અગાઉ આમ આદમી પાર્ટીમાં મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા. જોકે, તેમની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને AAP દ્વારા તેમને થોડા સમય પહેલા જ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

