ગુજરાત ભાજપમાં ફરી લેટર વોર, કરોડોના ભ્રષ્ટાચાર મામલે ધારાસભ્યએ સાંસદને આપ્યો જવાબ
ગુજરાતમાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં ફરી એક વખત લેટર વોર સામે આવ્યો છે. થોડા સમય પહેલા અમદાવાદ પૂર્વના ભાજપના સા

ગુજરાતમાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં ફરી એક વખત લેટર વોર સામે આવ્યો છે. થોડા સમય પહેલા અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદે વટવાના ભાજપના ધારાસભ્યને લઇને લેટર બોમ્બ ફોડ્યો હતો. હવે ધારાસભ્યએ સાંસદને પત્ર લખીને જવાબ આપ્યો છે.વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાધવે સાંસદ હસમુખ પટેલને જવાબ આપતા કહ્યું કે-તમે સાંસદ છો, અનુભવી નેતા છો, આટલી પણ ખબર નથી કે સરપંચ સામે કાર્યવાહીની સત્તા ધારાસભ્ય પાસે ના હોય. હવે આ લેટર વોર ક્યા સુધી અટકે છે
સરપંચ સામે કાર્યવાહીની સત્તા ધારાસભ્ય પાસે ના હોય- બાબુસિંહ જાધવ
અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલના પત્ર સામે વટવા MLA બાબુસિંહ જાદવે સાંસદને પત્ર લખ્યો છે. વટવાના ધારાસભ્યએ લખ્યુ કે, છેલ્લા કેટલાક દિવસોથી મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે આપણા મતવિસ્તાર વટવા વિધાનસભાના ધામતવાણ ગામના ગ્રામજનોએ તમને કરેલ રજૂઆત સંદર્ભે મને કોઇ પત્ર લખેલ છે પરંતુ આ રજૂઆત બાબતે મને અને મારા કાર્યાલયને કોઇ પત્ર મળેલ નથી. તેમજ આ પત્ર આપની કચેરીના માધ્યમથી મીડિયા સુધી પહોંચેલ છે."
આ સાથે જ વટવાના ભાજપના ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, "મીડિયામાંથી મળેલા પત્રમાં જણાવેલ છે કે દસક્રોઇ તાલુકામાં આવેલ ધામતવાણના ગ્રામજનોએ સરપંચની કાર્યપદ્ધતિ વિરૂદ્ધમાં રજૂઆત કરેલ છે અને ગ્રામજનોની રજૂઆત અન્વયે સરપંચ વિરૂદ્ધ મને કાર્યવાહી કરવા જણાવેલ છે પરંતુ આપ અનુભવી આગેવાનની જાણ સારૂ કે સરપંચ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની કોઇ સત્તા ધારાસભ્ય તરીકે મારા કાર્યક્ષેત્રમાં આવતી નથી. સરપંચની વિરૂદ્ધમાં કાર્યવાહીની સત્તા પંચાયત ધારા અનુસાર જીલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનર પાસે છે.આ બાબતે સંબંધિત જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અને વિકાસ કમિશનરને પત્ર પાઠવવો જોઇ અને તેની તે પત્રની નકલ મને મોકલી આપવા વિનંતી છે."
શું છે સમગ્ર ઘટના?
અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના સાંસદે વટવા વિધાનસભાના ધારાસભ્યને ધામતવાણ ગામના લોકોની ફરિયાદ મુદ્દે પત્ર લખ્યો હતો.ગ્રામજનોએ સરપંચ પતિ ઉપર ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની મિલકતો ઊભી કરાયાનો આક્ષેપ કર્યો હતો. ગામમાં છેલ્લા 15 વર્ષથી એક જ પરિવારના સભ્યો સરપંચપદ ભોગવી રહ્યા છે. કોઈ સામે અવાજ ઉઠાવે તો તેમને ધમકી અપાય છે. ભાજપના વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવને અગાઉ અનેક વખત આ મામલે મૌખિક રજૂઆત કરી હતી. સરપંચ પતિ જ પંચાયતનો વહિવટ ચલાવે છે. ગ્રામપંચાયતનું રેકર્ડ પણ પોતાના ઘરે રાખીને સમગ્ર વહિવટ ચલાવે છે. ઈન્ડસ્ટ્રીયલ શેડ માટે રજા ચિઠ્ઠીના રૂપિયા લે છે. સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી પોતાને વ્યક્તિગત આર્થિક લાભ થાય તે હેતુસર બેફામ રીતે કોઈપણ વ્યક્તિના કે સરકારના ડર વગર પોતે જ ધામતવાણ ગ્રામ-પંચાયતના ધણી (માલિક) હોય તે રીતે કરી રહ્યા છે. તેમણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે.








