ભાજપમાં વધુ એક લેટર બોમ્બ/ કરોડોના ભ્રષ્ટાચાર મામલે સાંસદે ધારાસભ્યને ખખડાવ્યા, જાણો શું છે સમગ્ર ઘટના
ગુજરાતમાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં હવે સખળડખળ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાય

ગુજરાતમાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં હવે સખળડખળ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં ખેંચાતાણ જોવા મળી રહી છે. તો અમદાવાદ જિલ્લા પ્રમુખની નિમણૂંક ઘણાને પસંદ આવી નથી. ત્યારે ભાજપમાં હવે ખુલીને બોલવાને બદલે લેટરથી એકબીજાની પોલ ખોલવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા વિસ્તારના ધામતવાણ ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાની ગ્રામજનોએ અમદાવાદ પૂર્વ વિસ્તારના લોકસભાના ભાજપનાં સાંસદ હસમુખ પટેલને ફરિયાદ કરી છે.
ગ્રામજનોએ પત્ર લખી આક્ષેપ કર્યો છે કે, ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે મહિલા હોવા છતાં પણ સમગ્ર વહીવટ તેમના પતિ કરે છે. ઇન્ડસ્ટ્રીયલ શેડ બાંધવા રજાચિઠ્ઠી આપવાથી લઈ કોઈપણ કામમાં પૈસાનો વહિવટ કરવા માંગ કરતા હોવાની રજૂઆત વટવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવને કરી હોવા છતાં તેમણે કોઈ પગલાં લીધા નથી. એટલે અમે ગ્રામજનો આપ સાંસદને લેખિત ફરિયાદ કરીએ છીએ. સાંસદ હસમુખ પટેલે વટવા ધારાસભ્ય બાબુસિંહ જાધવને યોગ્ય કાર્યવાહી કરવાનો લેટર લખતાં ભાજપમાં જ ખળભળાટ મચ્યો છે.
ગ્રામજનોએ સાંસદને લખેલા પત્રમાં કર્યા આક્ષેપ
અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના સાંસદે વટવા વિધાનસભાના ધારાસભ્યને ધામતવાણ ગામના લોકોની ફરિયાદ મુદ્દે પત્ર લખ્યો કે ગ્રામજનોની ફરિયાદ મુદ્દે સત્વરે ન્યાય અપાવશો. ગ્રામજનોએ સરપંચ પતિ ઉપર ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની મિલકતો ઊભી કરાયાનો આક્ષેપ કર્યો છે. ગામમાં છેલ્લા 15 વર્ષથી એક જ પરિવારના સભ્યો સરપંચપદ ભોગવી રહ્યા છે. કોઈ સામે અવાજ ઉઠાવે તો તેમને ધમકી અપાય છે. આ મામલે હવે સાંસદે ધારાસભ્યને ગ્રામજનોને ન્યાય અપાવવા માટે પત્ર લખવો પડ્યો છે.
ધારાસભ્યે વાત ન સાંભળતા સાંસદને લખ્યો પત્ર
ભાજપના વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવને અગાઉ અનેક વખત આ મામલે મૌખિક રજૂઆત કરી હતી. સરપંચ પતિ જ પંચાયતનો વહિવટ ચલાવે છે. ગ્રામપંચાયતનું રેકર્ડ પણ પોતાના ઘરે રાખીને સમગ્ર વહિવટ ચલાવે છે. ઈન્ડસ્ટ્રીયલ શેડ માટે રજા ચિઠ્ઠીના રૂપિયા લે છે. ભાજપના સાંસદ હસમુખ પટેલને ગ્રામજનોએ લખેલા પત્રમાં આક્ષેપ કરાયો છે કે, સંજયભાઈના પત્ની સરપંચ હોવા છતાં પણ સંજયભાઈ આજની તારીખે પણ પોતાને સરપંચ જ માને છે અને ધામતવાણ ગ્રામ-પંચાયતની વહીવટી કામગીરી તે પોતે જ કરે છે. સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી પોતાને વ્યક્તિગત આર્થિક લાભ થાય તે હેતુસર બેફામ રીતે કોઈપણ વ્યક્તિના કે સરકારના ડર વગર પોતે જ ધામતવાણ ગ્રામ-પંચાયતના ધણી (માલિક) હોય તે રીતે કરી રહ્યા છે. તેમણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે.
સરકાર દ્વારા ગામના વિકાસ માટે ફાળવેલ નાણાંમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો છે. ઘણા બધા કામો તો સ્થળ ઉપર આજદિન સુધી થયેલા પણ નથી.સંજયભાઈના સરપંચ તરીકેના વર્ષ 2001થી અત્યાર સુધીના સમયગાળામાં થયેલા કામો અને ફાળવેલા નાણાંની યોગ્ય તપાસ થશે તો કરોડોની ઉચાપત બહાર આવશે.








