BZ કૌભાંડને લઇને મોટા સમાચાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CID ક્રાઇમના વડા સાથે યોજી સમીક્ષા બેઠક
BZ કૌભાંડને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CID

BZ કૌભાંડને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડ, ચૈતન્ય મંડલિક સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. હર્ષ સંઘવીએ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બદલ CID ક્રાઇમના અધિકારીઓ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આવનારા સમયમાં ભોગ બનનારા લોકોના નાણા પરત કેવી રીતે આપી શકાય તથા વધુ ભોગ બનનાર લોકોને શોધી કાઢવાની સૂચના આપવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર હતા.
ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં 11,000 રોકાણકારોએ કર્યું હતું રોકાણ
CID ક્રાઇમે મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાને કુલ કેટલા રોકાણકારોએ કેટલુ રોકાણ કરેલ છે તે બાબતે પુછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે રોકાણકારોની વિગતો ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામા આવતી હતી અને આ BZTRADE.in ના ડેટા મેળવતા BZ GROUP માં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનુ રોકાણ કરેલ હોવાની વિગત મળી આવી છે.
આ પણ વાંચો: BZ કૌભાંડ: અરવલ્લી જિલ્લામાં CIDની ટીમ ત્રાટકી, એજન્ટ શિક્ષકો અને રોકાણકારોમાં ફફડાટ; ભુપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડમાં ખુલાસો
ક્યાં સંતાયેલો હતો ભુપેન્દ્રસિંહ ઝાલા?
આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની વિરૂધ્ધમાં તા.27/11/2024એ ફરીયાદ દાખલ થઇ તે દિવસે મધ્યપ્રદેશ બગલામુખી ખાતે ગયો હતો અને ત્યાંથી પોતાના ફોન સ્વીચ ઓફ કરી રાજસ્થાન આશરે 15 દિવસ રોકાયો હતો, ત્યારબાદ તેના અન્ય સાગરીતનો સંપર્ક કરી મહેસાણા જીલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પર આશરે 14 દિવસ રોકાયેલ હોવાની વિગત સામે આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે તેના જુના 4 મોબાઇલ ફોન તેમજ ગુનો દાખલ થયા બાદ નવા 4 મોબાઇલ ફોન ખરીદ કરી તેમા નવા 3 સીમકાર્ડ મેળવી જીયોના 3 નવા ડોન્ગલ દ્વારા વોટ્સએપ કોલથી તેના સાગરીતોનો સંપર્ક કરેલ હોવાની વિગત મળી આવી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 18 મિલકતો વસાવી
આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના મોબાઇલ ફોનમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવી છે, તેમજ પુછપરછ દરમ્યાન BZ FINANCIAL SERVICES ની કુલ- 17 શાખાઓ જેમાં (૧) પ્રાંતિજ શાખા (૨) હિમંતનગર શાખા (૩) વિજાપુર શાખા (૪) પાલનપુર શાખા (૫) રાયગઢ શાખા (૬) ભીલોડા શાખા (૭) ખેડબ્રહ્મા શાખા (૮) ગાંધીનગર (૯) રણાસણ શાખા (૧૦) મોડાસા શાખા (૧૧) માલપુર શાખા (૧૨) લુણાવાડા શાખા (૧૩) ગોધરા શાખા (૧૪) બાયડ શાખા (૧૫) વડોદરા શાખા (૧૬) ડુંગરપુર (રાજસ્થાન) (૧૭) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરી હતી. આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેહી કરોડો રૂપિયા ઉઘરાવી લીધેલ હોવાની માહિતી મળી આવી છે, તેમજ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ આશરે 17 થી 18 મિલ્કતો વસાવેલ હોવાની વિગત રીમાન્ડ દરમ્યાન જણાવેલ છે. આ ગુનાના આરોપીઓ અને તેઓના પરિવારની તેમજ આ સાથે સંકળાયેલ એજન્ટોની સ્થાવર અને જંગમ મિલ્કતો જેમાં શેર ક્રિપ્ટો કરન્સી બાબતેની હાલમાં તપાસ ચાલુ છે.








