મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Panchmahalમાં ખનીજ માફિયાઓ બેફામ, સરકારી પડતર જમીન અને ગૌચરની જગ્યામાં મોટા પાયે ગેરકાયદેસર ખોદકામ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના ગંભીર આક્ષેપો

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અહીં ખનીજ માફિયાઓ દ્વારા ગ્રામ પંચાયતની હસ્તક આવેલી સરકારી પડતર જમીન અને ગૌચરની જગ્યામાંથી મોટા પાયે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું છે, જેનાથી કરોડો રૂપિયાની સરકારી સંપત્તિને નુકસાન થયું છે.

માટી ચોરી કરીને રેતી બનાવવાનું કૌભાંડ

પ્રાથમિક માહિતી અનુસાર, નદીસર ગામમાં લગભગ 25 થી 27 જેટલી અલગ-અલગ જગ્યાઓ પરથી ખોદકામ કરીને મોરમ પ્રકારની માટીની ચોરી કરવામાં આવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ ચોરી કરેલી માટીનો ઉપયોગ રેતી બનાવવા માટે કરવામાં આવે છે અને ત્યારબાદ તેને બારોબાર વેચવામાં આવે છે. આ રીતે માટી ચોરી કરીને રેતી બનાવવાનું અને વેચવાનું આખું કૌભાંડ ચાલી રહ્યું છે, જેનાથી કરોડો રૂપિયાની સરકારી સંપત્તિ લૂંટાઈ ગઈ છે.

તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો છતાં મૌન

ખનીજ માફિયાઓના આતંકને રોકવા માટે સ્થાનિક લોકો અને નદીસર ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિકોએ તો જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિતમાં પણ જાણ કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

આશ્ચર્યની વાત તો એ છે કે, ખનીજ વિભાગને કોલ કરીને જાણ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા, સ્થાનિકો દ્વારા ખનીજ વિભાગના અધિકારીઓ પર ખનીજ ચોરો સાથે મળેલા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

અધિકારીઓના મૌન પાછળનું કારણ શું?

સરકારી સંપત્તિની આટલી મોટી ચોરી થતી હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ આ બાબતને કેમ ધ્યાને લેતા નથી, તે એક મોટો સવાલ છે. કરોડો રૂપિયાની સંપત્તિની ચોરી રોકવા માટે અધિકારીઓનું આ મૌન અને સરકારી સંપત્તિને લૂંટાતી ન બચાવી શકવાની તેમની નિષ્ફળતા અનેક શંકાઓ ઉપજાવે છે.

આ સમાચાર શેર કરો