સુરતમાં મંદીના માહોલ વચ્ચે બે હીરા પેઢી સાથે આ રીતે થઈ 91 લાખ રૂપિયાની છેતરપિંડી
સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેના સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા. ઉદ્યોગમા

સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેના સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા. ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરના મહિધરપુરા પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે 91 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પૂજા ડાયમંડમાંથી 26.49 લાખના હીરા ત્રણ દલાલ લઈ ગયા જ્યારે શિવમ જ્વેલર્સનો કર્મચારી 65 લાખના હીરા લઈને ફરાર થયા હતા. જોકે, જીમીતકુમાર ઓઘવજીભાઇ કુકડીયા, જૈનેશ ભાદાની, હર્ષિલ મેઘજીભાઇ કાકડીયા, વિપુલભાઇ વિઠ્ઠલભાઇ પટેલની ધરપકડ મહિદ્રપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપીઓ વિરૂધ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ ઘણી બધી આશરે રૂપિયા 50 લાખ જેટલાનું છેતરપીડી/ચીટીંગ કરેલાની અરજીઓ આવી છે. જેથી, આ આરોપીઓને સાથે રાખીને જ્યાં ઓફીસ ધરાવી ધંધો કરતાં હતાં. તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
65 લાખના હીરા લઈને ફરાર
મહીધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહીધરપુરા વિસ્તારમાં આવેલી પૂજા ડાયમંડમાંથી ત્રણ દલાલ ઉધારીમાં 26.64 લાખના હીરા લઈને ફરાર થઈ ગયા છે. જ્યારે આ જ વિસ્તારમાં આવેલા શિવમ જ્વેલર્સનો કર્મચારી 65 લાખના હીરા લઈને ફરાર થઈ ગયો છે. પુણાગામ વિસ્તાર ખાતે આવેલા વિલા બંગ્લોઝમાં રહેતા હીરાના વેપારીએ ધ્રુવિશ સતરીયાએ મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ હીરા બજારમાં પૂજા ડાયમંડ થી હીરાનો વેપાર કરે છે. આરોપી હીરા દલાલ જીમિત ઓધવજી કુકડીયા તેમની પાસે આવ્યો હતો અને તેમને હીરાની મોટી કંપનીઓને રેફરન્સ આપી આ કંપનીઓ સારી પેઢી હોવાનું જણાવ્યું હતું. જેથી, તેઓ તેમની સાથે ધંધો કરવાની તૈયારી બતાવી હતી. તારીખ 2 એપ્રિલ, 2024ના રોજ જીમિત કૃપા ડાયમંડના ભાગીદાર જેનીસ ભાદાણી અને હર્ષિત કાકડીયાને તેઓએ 18.27 લાખની કિંમતના 442.50 કેરેટના હીરા 21 દિવસમાં પેમેન્ટ કરવાની શરતે આપ્યા હતા.તારીખ 17 એપ્રિલ, 2024ના રોજ દલાલ જીમિત્તે હીરાના વેપારી વિપુલ કાકડીયા ને 8.22 લાખની કિંમતના 104.26 કેરેટના હીરા 21 દિવસમાં પેમેન્ટની શરતે આપ્યા હતા. જોકે, પેમેન્ટની શરત હોવા છતાં બંને પાર્ટીએ નાણાં ચૂકવ્યા ન હતા અને હીરાના વેપારી સાથે ઠગાઈ કરી હતી. આ મામલે વેપારી ધ્રુવીશે મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી હતી.
પેકેટ ખાલી હતા
મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી અન્ય ફરિયાદમાં જાણવા મળ્યું છે કે, મહીધરપુરા ટોરેન્ટ પાવરની ઓફિસ નજીક આવેલા શિવમ જ્વેલર્સના કર્મચારી લાખો રૂપિયાના હીરા લઈ ફરાર થઈ ગયો છે. જ્વેલર્સના મેનેજર સચિન નભોઈએ પોલીસને જણાવ્યું હતું કે, વિપુલ મેવાડીયા તેમની પેઢીમાં નોકરી કરતો હતો. વિપુલનું કામ હીરાનું વજન કરીને જણાવવાનું હતું. 5 ઓગસ્ટના રોજ વિપુલને નેચરલ મિક્સ ક્વોલિટીના હીરાનું વજન કરવા માટે આપવામાં આવ્યું હતું. વિપુલે મેનેજરને જણાવ્યું હતું કે, હીરાનું વજન બરાબર છે અને ત્યારબાદ તેને જમા પણ કરાવ્યા હતા અને કાકાનો દીકરો હોસ્પિટલમાં છે કહી રજા લઈને નીકળી ગયો હતો. બીજા દિવસે વિપુલ જ્વેલરી શોપ પર આવ્યો નહોતો. જ્યારે હીરાના પેકેટ ચેક કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે પેકેટ ખાલી છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, 65 લાખના હીરા ગાયબ થઈ ગયા છે. વિપુલ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.








