મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara/ તરસાલીમાં MGVCL ની ગાડી મકાનની દીવાલ તોડી કમ્પાઉન્ડમાં ઘૂસી

વડોદરાના તરસાલી રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. MGVCL

વડોદરાના તરસાલી રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) ની એક પૂરઝડપે આવતી ગાડી સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પરથી ઉછળીને સીધી સામેના મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

ફિલ્મી ઢબે સર્જાયો અકસ્માત

શહેરના તરસાલી બંસલ મોલ નજીક બનેલી આ ઘટનામાં MGVCL ની ગાડીના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ગાડી એટલી ઝડપમાં હતી કે તે ડિવાઈડર પરથી ઉછળીને સીધી સામે આવેલા એક મકાનના કમ્પાઉન્ડની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મકાનની મજબૂત દીવાલનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

કર્મચારીઓ ગાડી મૂકીને થયા ફરાર

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત સમયે ગાડીમાં MGVCL ના ચાર કર્મચારીઓ સવાર હતા. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો ભેગા થાય તે પહેલા જ ચારેય કર્મચારીઓ પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ગાયબ થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાન માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પોલીસ તપાસ શરૂ

ઘટના અંગેની જાણ થતા જ મકરપુરા પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સરકારી વાહન ચલાવતા કર્મચારીઓ નશાની હાલતમાં હતા કે કેમ? અથવા અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે? તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો