વલસાડમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ, આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધું વલસાડમાં 6 ઈંચથી વધુ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધું વલસાડમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ગણદેવીમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પારડીમાં 4.5 ઈંચ, વાપીમાં 4 ઈંચ, ઉમરગાંવમાં 3 ઈંચથી વધુ, ધરમપુરમાં 3 ઈંચ અને કપરાડામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચીખલી અને જલાલપોરમાં 4-4 ઈંચથી વધુ અને વાંસદામાં દોઢ ઈંચ કરતા વધુ પડ્યો હતો.
આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (13મી જુલાઈ) ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળશે
ઉતર ગુજરાત પર સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી.ની ઉંચાઈએ હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જારી રહ્યું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરલના કાંઠા સુધી ટ્રફ પણ છે ત્યારે હાલ ગુજરાતમાં તેમજ બે દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સોમનાથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને દિવના દરિયામાં 3.3થી 4.2મીટર (13.78 ફૂટ) ઉંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ અને કચ્છના દરિયામાં 2.2થી 3.3 મીટરના મોજા ઉછળવા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
18 જિલ્લામાં 20%થી વધુ વરસાદની ઘટ
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના અધિકૃત આગમનને આગામી 14મી જુલાઈના એક મહિનો પૂરો થશે. એક મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી. હજુ સુધી 9.15 ઈંચ સાથે સિઝનનો 26.32 ટકા વરસાદ વરસ્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે 12મી જુલાઇ સુધી 21.34 ઈંચ સાથે સિઝનનો 48 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. હાલ રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20 ટકાથી પણ વધુ ઘટ છે.








