મહેસાણામાં RTO અધિકારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈને આંદોલન

મહેસાણા આરટીઓના અધિકારીઓ સહિત રાજ્યભરના RTO ઈન્સ્પેકટર અને આસીસ્ટન્ટ ઈન્સન્સ્પેકટર દ્વારા પડતર માંગણીઓને લઈને આંદોલન શરુ કરવામાં આવ્યું છે. જેમાં આજથી આ કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી સરકારના વિરોધ સાથે કામ ચાલુ રાખ્યું છે. જેમાં વર્ષ 2017ની 8 આસિસ્ટન્ટ ઇન્સ્પેકટરને પ્રોબેશન પૂર્ણ કરી કાયમી કરવા, પ્રમોશન સહિતના મુદે આંદોલન શરુ થયું છે. જેમાં આજથી આ તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી કામ કરવાનું શરુ કર્યું છે.
આ બાબતે વારંવાર લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતા આ સમસ્યાનું નિવારણ કરવામાં આવેલું નથી. જેથી આ પડતર માંગણીઓને લઈને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન શરુ કર્યું છે. પરંતુ જો 11 ફેબ્રુઆરી સુધીમાં વિવિધ પડતા પ્રશ્નોનો નિકાલ નહિ આવે તો તમામ ટેકનિકલ ઓફ્સિરો સમુહમાં રજા ઉપર ઉતરશે.
આ પણ વાંચો : પાટીદાર આંદોલનમાં કરાયેલ કેસ પરત ખેંચવા બદલ ઋષિકેશ પટેલ અને ચૈતર વસાવાનું નિવેદન, જાણો શું કહ્યું
મહેસાણા આરટીઓ કચેરીમાં આજે ટેક્નિકલ ઓફિસર્સે તેમના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓએ કચેરી પરિસરમાં સૂત્રોચ્ચાર સાથે તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટેક્નિકલ ઓફિસર્સે જણાવ્યું કે લાંબા સમયથી તેમની વિવિધ માંગણીઓ પ્રત્યે સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. આ માંગણીઓના નિરાકરણ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કર્મચારીઓએ ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનને કારણે કચેરીના કામકાજ પર અસર પડી હતી અને નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

