Video: 'પાટીદારના છોકરા દારૂડિયા થઈ ગયા છે', ગણપત યુનિવર્સિટીના ચેરમેનનું વિવાદાસ્પદ નિવેદન

મહેસાણામાં આયોજિત પાટીદાર મહાસંમેલનમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપત પટેલે સમાજના યુવાનોમાં વધી રહેલા વ્યસનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, પાટીદાર સમાજના છોકરાઓ દારૂના રવાડે ચડી ગયા છે. સમાજની આવતી પેઢીને બચાવવાની જરૂર છે.
સમાજમાં કેટલાંક દુષણો પણ પ્રવેશ્યાં
ગણપત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સમાજના કેટલાક યુવાનો ડ્રગ્સ અને દારૂ જેવા વ્યસનો તરફ વળી રહ્યા છે. પાટીદાર સમાજ આર્થિક અને સામાજિક રીતે સધ્ધર બન્યો છે, પરંતુ તેની સાથે સમાજમાં કેટલાંક દુષણો પણ પ્રવેશ્યાં છે. હવે સમય આવી ગયો છે કે સમાજના આગેવાનો એક-એક વ્યક્તિ સુધી પહોંચે અને યુવાનોને વ્યસનથી દૂર રહેવા સમજાવે.
તેમણે સમાજના આગેવાનોને આવતી પેઢીના ભવિષ્ય માટે જાગૃત થવાની અપીલ કરી હતી. સમાજની પ્રગતિ સાથે યુવાનોનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે તે જરૂરી હોવાનું જણાવી તેમણે ‘પેઢી બચાવો’નો સંદેશ આપ્યો હતો. તેમના આ નિવેદનને પગલે પાટીદાર સમાજમાં યુવાનોના વ્યસનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.






