મહેસાણા: અપરણિત યુવકની નસબંધી કાંડમાં મોટી કાર્યવાહી, ધનાલીના હેલ્થ વર્કરની ફરજ મોકૂફી સાથે ખેરાલુ બદલી

મહેસાણાના નવી શેઢાવી ગામના અપરિણીત યુવકની નસબંધી કાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ધનાલીના હેલ્થ વર્કરની ફરજ મોકૂફી સાથે ખેરાલુ બદલી કરવામાં આવી છે.
શું છે ઘટના?
નવી શેઢાવી ગામના 31 વર્ષની વયના અપરિણીત શ્રમજીવી યુવક ગોવિંદ દંતાણીને મજૂરીકામે લઇ જવાનું કહી દારુ પીવડાવી નસબંધી કરી હતી. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જસ્મીને તમામ પાસાએથી તપાસ કરાવી જોટાણા તાલુકાના સૂરજ પીએચસીના ધનાલી કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને કસૂરવાન ઠરાવી કારણદર્શક નોટિસ ફટકારી ફરજ મોકૂફી સાથે તેને ખેરાલુ આરોગ્ય કેન્દ્ર ખાતે ફંગોળી દીધો હતો.
આરોગ્ય કર્મીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો દાવો
ધનાલીના આરોગ્ય કર્મીએ આ ઘટનાને લઇને પોતાનું નિવેદન આપ્યું છે.ધનાલી સબ સેન્ટરના કર્મચારીઓને અન્ય કર્મીએ ફસાવવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. નવી શેઢાવીના આરોગ્ય કર્મી ઝહીર સોલંકીએ સમગ્ર પ્રકરણમાં ભાગ ભજવ્યો છે અને આ વ્યક્તિને હું જાણતો નથી અને તે મારા વિસ્તારનો પણ નથી.
યુવકનું સમગ્ર કાઉન્સેલિંગ નવી શેઢાવીના આરોગ્ય કર્મી ઝહીર સોલંકીએ કર્યું હતું.ધનાલીના આરોગ્ય કર્મીને ઝહીર સોલંકીએ અડાલજ હોસ્પિટલ જ બોલાવી લીધા હતા. કુટુંબ નિયોજનના ટાર્ગેટ પૂરો કરવાની લાલચમાં ધનાલીના આરોગ્ય કર્મીને ફસાવવામાં આવ્યો હોવાનું રટણ કર્યું હતું. ઝહીર સોલંકી જ યુવક ને ગાડી માં અડાલજ CHC લઈ ગયો હતો.
આ પણ વાંચો: રાજકોટમાંથી નકલી પોલીસ કર્મી ઝડપાયો, મહિલાને મળવા ગયેલા યુવક પાસેથી કર્યો 40 હજારનો તોડ
મહેસાણા જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ
નવી શેઢાવી નસબંધીકાંડ વિવાદમાં જિલ્લામાં કેટલા આવા નસબંધીના ઓપરેશન થયા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લા આરોગ્યની ટીમ જમાનપુર પહોંચી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા અને ટીમ જમાનપુર પહોંચી હતી અને અન્ય ગામમાં પણ નસબંધીના કેટલા ઓપરેશન થયા તેના વિશે માહિતી મેળવવામાં આવશે.
નસબંધી કાંડ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
બીજી તરફ નસબંધી કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી અને અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

