મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, ગુજરાત ATS અને NCBનું સૌથી મોટું ઓપરેશન

ગુજરાત ATS અને NCB (ઓપ્સ.) દિલ્હીએ સંયુક્ત ઓપરેશનમાં ભોપાલમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી છે.

ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, ગુજરાત ATS અને NCBનું સૌથી મોટું ઓપરેશન

ગુજરાત ATS અને NCB (ઓપ્સ.) દિલ્હીએ સંયુક્ત ઓપરેશનમાં ભોપાલમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી છે. તપાસ દરમિયાન 907.9 કિલોગ્રામ મેફેડ્રોન (સોલીડ તથા લીક્વીડ) મળી આવ્યું છે જેની બજાર કિંમત 1814.18 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ સાથે જ ફેક્ટરીમાં એમડી ડ્ર્ગ્સ બનાવતા બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. 

ગુજરાત ATSનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન

ગુજરાત ATSના નાયબ પોલીસ અધીક્ષક એસ.એલ. ચૌધરીને ગુપ્ત માહિતી મળી હતી કે ભોપાલ ખાતે અમીત ચતુર્વેદી તથા નાસીક, મહારાષ્ટ્રમાં રહેતા સનયાલ બાને નામના ઇસમો ભોપાલના બગરોડા GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે મેન્યુફેક્ચરીંગ યુનિટની આડમાં ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવીને વેચાણ કરે છે.

આ બાતમીના આધારે ગુજરાત ATS તેમજ NCB (ઓપ્સ.) દિલ્હીની ટીમ દ્વારા રે કરવામાં આવતા માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવવા માટેની પ્રોસેસ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. સર્ચ દરમિયાન 907.9 કિલોગ્રામ મેફેડ્રોન (સોલીડ તથા લીક્વીડ) મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 1814.18 કરોડની થાય છે. આ ઉપરાંત રેડ દરમિયાન 400 કિલોગ્રામ 2 બ્રોમો 4 મીથાઇલ પ્રોપીયોફીનોન, 1800 KG મોનો મીથાઇલ એમાઇન, 1000 KG એસીટોન, 800 KG ટોલ્યુઇન, 800 KG એચ.સી.એલ. તથા અન્ય રો-મટેરીયલ અને મેફેડ્રોન (MD) ઉત્પાદન માટે ઉપયોગમાં લીધેલ ગ્રાઇન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટ્સ મળી આવ્યા હતા. જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો હતો.

રેડ દરમિયાન અમીત પ્રકાશચંદ્ર ચતુર્વેદી (ઉં.વ.57) કોટરા, સુલ્તાનાબાદ રોડ, ભોપાલ, મધ્ય પ્રદેશ તેમજ સનયાલ પ્રકાશ બાને (ઉં.વ.40) નાસીક, મહારાષ્ટ્રની ધરપકડ કરવામાં આવી હતી.

આ બન્ને ઇસમોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી સનયાલ પ્રકાશ બાને આ અગાઉ વર્ષ 2017માં અંબોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 KG મેફેડ્રોન (MD) સીઝર કેસમાં પકડાયેલો છે અને 5 વર્ષમાં જેલમાં રહ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ તેણે આરોપી અમીત ચતુર્વેદી સાથે મળીને ગેરકાયદેસર મેફેડ્રોન (MD)નું ઉત્પાદન અને વેચાણ દ્વારા મોટા પ્રમાણમાં નાણાકીય લાભ મેળવવાનો પ્લાન બનાવ્યો હતો. 

ભોપાલના બગરોડા GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે 6-7 મહિના અગાઉ એક શેડ ભાડે લઇ તેમાં 3-4 મહિનાથી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) તૈયાર કરવા રો-મટેરીયલ, સાધન-સામગ્રી એકત્રિત કરી હતી અને કેમીકલ પ્રોસેસ અને વેચાણ શરૂ કર્યું હતું.અંદાજિત 2500 વારની જગ્યાવાળા શેડમાં ચાલી રહેલ ઉપરોક્ત પકડાયેલ ફેક્ટરી ગુજરાત ATS દ્વારા આજ દિન સુધી પકડવામાં આવેલ ગેરકાયદેસર ફેક્ટરીઓ પૈકી સૌથી મોટી હોવાનું ખુલવા પામ્યુ છે જે 5-7 દિવસમાં અંદાજિત 40-50 KG મેફેડ્રોન (MD) ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

પકડાયેલા આરોપીઓ આ ગુન્હાહિત પ્રવૃતિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન (MD) કઇ-કઇ જગ્યાએ તથા કોને વેચાણ કરી હતી અને એ માટે તેઓને નાણા કઇ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઇ કઇ વ્યક્તિ સામેલ છે તે અંગે સઘન તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો