સુરતમાં જામ્યો વરસાદી માહોલ, 3 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ થયા પાણી..પાણી
સુરતમાં ગતરોજ વરસાદે વિરામ લીધા બાદ આજે ફરી ભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગત મોડીરાતથી ભારે વરસાદી ઝાપ

સુરતમાં ગતરોજ વરસાદે વિરામ લીધા બાદ આજે ફરી ભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગત મોડીરાતથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. એકધારા પડી રહેલા વરસાદી ઝાપટાને લઈને રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં અને મેટ્રોની કામગીરી જ્યાં થઈ રહી છે. તેવી જગ્યાએ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જ્હાંગીરપુરામાં ધોધમાર વરસાદ
ગત રાતથી વરસાદ શરૂ થયો છે. જેમાં સેન્ટ્રલ ઝોનના મહિધરપુરા, નાનપુરા, ચોકબજાર અને સલબતપુરા વિસ્તારમાં 31 મીમી વરસાદ પડ્યો છે. ઇસ્ટ ઝોન A વિસ્તારના વરાછા, કાપોદ્રા, મીનીબજાર, LH રોડ અને હીરાબાગમાં 24 મીમી વરસાદ નોંધાયો છે. ઇસ્ટ ઝોન B વિસ્તારના સરથાણા, મોટા વરાછા, અબ્રામા, લસકાણા, નાના વરાછા અને યોગીચોકમાં 61 મીમી વરસાદ નોંધાયો છે. વેસ્ટ ઝોનના રાંદેર, અડાજણ, પાલ, પાલનપુર, જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં 73 મીમી વરસાદ નોંધાયો છે. નોર્થ ઝોનના કતારગામ, વેડરોડ, ડભોલી, સિંગણપોર સહિતના વિસ્તારમાં 38 મીમી વરસાદ નોંધાયો છે.
કોઝ વે બંધ કરાયો
સાઉથ ઝોનના ઉધના, પાંડેસરા, ઉન અને ભેસ્તાન સહિતના વિસ્તારમાં 6 મીમી વરસાદ નોંધાયો છે. સાઉથ ઇસ્ટ ઝોનના લીંબાયત, ભાઠેના, ડીંડોલી, પર્વતપાટિયા અને કુંભારીયા સહિતના વિસ્તારમાં 9 મીમી વરસાદ નોંધાયો છે. સાઉથ વેસ્ટ ઝોનના વેસુ, પાર્લે પોઇન્ટ, અઠવાલાઇન્સ, ઉમરા, વીઆઈપી રોડ અને ડુમસમાં 13 મીમી વરસાદ નોંધાયો છે. રાંદેરનો વિયર કમ કોઝવે 6.37 મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેથી બંધ કરી દેવામાં આવ્યો છે.








