NAVSARI / લિવઈનમાં રહેતા પુરુષે પાર્ટનર મહિલાની હત્યા કર્યા બાદ પોતે પણ કરી આત્મહત્યા
Navsari News : નવસારીના ઉગત ગામે આવેલા વરદાન ફાર્મ હાઉસમાં લિવઈનમાં&nb

Navsari News : નવસારીના ઉગત ગામે આવેલા વરદાન ફાર્મ હાઉસમાં લિવઈનમાં રહેતા દંપતિમાંથી મહિલનો ક્રુરતાપૂર્વક હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ આરોપીને શોધે એ પૂર્વે જ આરોપી લિવઈન પાર્ટનર પુરુષે તેના વતનમાં ઝાડ સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા હત્યાનું કારણ અકબંધ રહેવા પામ્યુ છે.
ધારદાર હથિયારથી હુમલો કરતા મહિલાનું મોત
નવસારીના સુપા ગામે રહેતી 35 વર્ષીય પદ્મા હળપતિનો પતિ મૃત્યુ પામ્યા બાદ મૂળ આણંદના વડોદ ગામે રહેતા ગણપત પરમાર સાથે લિવઈન રિલેશનશિપમાં ગણપતની પત્નીની જેમ તેની સાથે રહેવા લાગી હતી. બંને ગામડાના ફાર્મ હાઉસમાં રહી સાફ સફાઈનું કામ કરતા હતા.
ગત અઠવાડિયામાં ઉગત ગામે આવેલ વરદાન ફાર્મ હાઉસમાં ગણપત અને પદ્માને ઘાસ કાપવા માટે બોલાવવામાં આવ્યા હતા. બંને ફાર્મ હાઉસમાં જ રહીને સફાઈ કરતા હતા. દરમિયાન ગત શનિવારે રાત્રે ગણપત અને પદ્મા વચ્ચે કોઈક વાતે ઝઘડો થયા બાદ ગણપતે આવેશમાં આવી પદ્મા ઉપર ધારદાર હથિયારથી હુમલો કર્યો કરતા પદ્માનુ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતુ.
બાથરૂમમાં મળી આવ્યો મહિલાનો મૃતદેહ
હત્યા બાદ ગણપતે પદ્માના મૃતદેહનેને ઢસડીને ફાર્મ હાઉસના બાથરૂમમાં મૂકી દીધો હતો અને પોતે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગત રોજ વોચમેન ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યો, તો ઘરનો દરવાજો ન ખુલતા તેણે આસપાસ ગણપત અને પદ્માની શોધખોળ કરી હતી. બાદમાં બાજુના ફાર્મ હાઉસમાંથી ચાવી લાવી ફાર્મ હાઉસ ખોલતા તેના ફાર્મ હાઉસનો હોલ લોહીથી ખરડાયેલો હતો અને પદ્મા હળપતિનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો હતો.
વોચમેને ફાર્મ હાઉસના માલિક પ્રકાશ વરદાનને જાણ કરતાં તેઓ પણ ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગ્રામ્ય પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ આરંભી હતી.
આરોપીએ ઝાડ સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી
પોલીસે ફાર્મ હાઉસની નજીકના CCTV ફૂટેજ તપાસતા શનિવારે રાત્રે અને રવિવારના સવારના ગણપત આવતા-જતા જણાયો હતો. જેથી ગણપતના વતનની માહિતી મેળવી પોલીસે તપાસ કરાવી હતી. પરંતુ ગણપત તેના ઘરે પહોંચ્યો ન હતો.
દરમિયાન ગત રોજ સાંજે વડોદમાં જ અવાવરૂ જગ્યાએથી ગણપતનો ઝાડ સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેથી ગણપતે પદ્માને કેમ મારી નાંખી એ કારણ પરથી પડદો ઉચકાયો નથી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ગણપત પરમારે થોડા દિવસો અગાઉ જ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતુ. જેથી તેને આંખે ત્રણથી ચાર ફૂટ અંતર પર જ દેખાતું હશેનું ડોક્ટરે અનુમાન આપ્યું હતું. જેથી ગણપત અને પદ્મા વચ્ચે ઘણો સંઘર્ષ થયો હોવાનું અનુમાન છે. પદ્માના શરીરે ઘણા ઘા હતા, પરંતુ ત્રણ ઘા ઊંડા હોવાથી તેનું મૃત્યુ થયું હતુ. ગણપતે પણ આત્મહત્યા કરી લેતા હત્યાનું કારણ જાણી શકાયું નથી. તેમ છતાં પોલીસે તપાસને વેગ આપ્યો છે.








