Surat: ભાજપના મહિલા કોર્પોરેટરના પરિવારને ધમકી આપનાર શખ્સ ઝડપાયો; જાણો સમગ્ર ઘટના
ભાજપના એક મહિલા કોર્પોરેટરના પતિ અને કેનેડામાં અભ્યાસ કરતી તેમની પુત્રીને નિશાન બનાવી ગંભીર ધમકીઓ

ભાજપના એક મહિલા કોર્પોરેટરના પતિ અને કેનેડામાં અભ્યાસ કરતી તેમની પુત્રીને નિશાન બનાવી ગંભીર ધમકીઓ આપવાના કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવી છે. એક ડમી મોબાઈલ નંબરના આધારે શરૂ થયેલી તપાસનો છેડો વરિયાવી બજારના એક નામચીન બિલ્ડર સુધી પહોંચ્યો છે, જેની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા વોટ્સએપ નંબર પરથી રહસ્યમય અને ધમકીભર્યા મેસેજ મળી રહ્યા હતા. આ મેસેજમાં ખૂબ જ ચાલાકીપૂર્વક અને ગર્ભિત રીતે ધમકી આપવામાં આવી હતી. મેસેજમાં લખાયું હતું કે:
"તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે તેને ખૂબ ખૂબ અભિનંદન... શહેરમાં કોઈની સાથે ખોટું ના કરતા, નહીં તો ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું થવા દેશે. કોઈનું કરેલું કોઈના બાળ-બચ્ચાએ ભોગવવું ના પડે તેનું ધ્યાન રાખજો." વિદેશમાં રહેતી દીકરીને લઈને મળેલી આ ધમકી બાદ પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને ડમી મોબાઈલ નંબરના આધારે તપાસ તેજ કરી હતી. પોલીસ તપાસમાં આ ગુનામાં સુરતના વરિયાવી બજાર, હોડી બંગલો વિસ્તારમાં રહેતા મોહંમદ અસ્ફાક નઈમુદ્દીન રીફાઇ (ઉંમર 37 વર્ષ) ની સંડોવણી બહાર આવી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અસ્ફાક અને ફરિયાદી પક્ષ એકબીજાને અગાઉથી ઓળખે છે. પ્રાથમિક અનુમાન મુજબ, જૂની કોઈ અદાવત કે વ્યવસાયિક હિતોને કારણે આ ધમકી આપવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે.




