વડોદરા / ચાર વ્યાજખોરોના ત્રાસથી તરસાલીમાં રહેતા પુરુષનો આખો પરિવાર ખતમ થઈ ગયો, જાણો હચમચાવી દેનારી ઘટના
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા એક પરણિત પુરુષે શેરડીનાં રસમાં ઝેર ભેળવી પોતાના પિતા, પત્ની અને પુત્રને પી

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા એક પરણિત પુરુષે શેરડીનાં રસમાં ઝેર ભેળવી પોતાના પિતા, પત્ની અને પુત્રને પીવડાવતા આ ત્રણેયનું મોત થયું હતું અને બાદમાં પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પુરુષ હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
ગત 1લી મેના રોજ બન્યો બનાવ
તરસાલી વિસ્તારમાં રહેતા ચેતન સોનીએ અલ્પના સિનેમાની સામે આવેલા શેરડીના રસના સ્ટોલ પરથી 100 રૂપિયાનો રસ લીધો હતો અને બાદમાં કેમિકલની દુકાન ધરાવતા નીરજભાઈ બાજવાડાવાળા પાસેથી ગોલ્ડ પોટેશિયમ સાઈનાઈટ લાવીને શેરડીના રસમાં ભેળવી પુત્ર, પત્ની તથા પિતાને રસ પીવડાવી દીધો હતો, જેના કારણે ત્રણેયના મોત થયા હતા. ચેતન સોનીએ પણ આ જ રસ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે બચી હતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
2 લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધા અને વ્યાજના વિષચક્રમાં ફસાયા
પોલીસને આપેલા મરણોન્મુખ નિવેદનમાં ચેતન સોનીએ જણાવ્યું કે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ઉઘરાણીને કારણે તેમને આવું કરવું પડ્યું.
ચેતન સોનીએ પરેશ પ્રજાપતિ પાસેથી 2 લાખ રૂપિયા 20 ટકાના વ્યાજે લીધા હતા. આ વ્યવહારમાં ચેતન સોનીનો મિત્ર ધર્મા સ્વામી વચ્ચે હોવાને કારણે તે કમિશન પેટે 10-10 હજાર રૂપિયા વ્યાજ દર મહિને કેશમાં લેતો હતો. બાદમાં ચેતન સોનીએ રાજેશ સિંધી પાસેથી અઢી લાખ રૂપીયા 20 ટકાના માસિક વ્યાજે અને જયેન્દ્ર પરમાર પાસેથી સવા લાખ રૂપિયા લીધા હતા. આ પૈકીની કેટલીક રકમો તો ચેતન સોનીએ ચૂકવી પણ દીધી હતી, તેમ છતાં આ તમામ લોકો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને મારી નાખવાની ધમકી આપતા હતા.
પોલીસે 4 વ્યાજખોરોની અટકાયત કરી
ચેતન સોનીના નિવેદનને આધારે મકરપુરા પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આ ચાર વ્યાજખોરોને જેલના હવાલે કર્યા છે :
પરેશ પ્રજાપતિ, રહે. શ્રીનાથજી પાર્ક, મકરપુરા
ધર્મા સ્વામી, રહે. રાજીવનગર, મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ
રાજેશ સિંધી, રહે. નિર્મલનગર સોસાયટી, અકોટા
જયેન્દ્ર પરમાર, રહે. ખટંબા અર્બન રેસીડેન્સી, વાઘોડિયા રોડ








