વાઘોડિયાની ધરતી પર ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ : દબંગ નેતાનું નિવેદન
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી 7મી મેના રોજ મતદાન થવાનું છે. જેના પ્રચારના પડઘમ આજે 6 વા

ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી 7મી મેના રોજ મતદાન થવાનું છે. જેના પ્રચારના પડઘમ આજે 6 વાગ્યે શાંત થયા છે. ત્યારે આ અગાઉ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ માટે પ્રચાર કર્યો હતો. તેમણે જાહેર સભાને સંબોધતા કહ્યું કે, 'વાઘોડિયાની ધરતી પર ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયાની ધરતી પર ભાજપને હરાવનાર પણ મધુ શ્રીવાસ્તવ છે.'
ભાજપ ઉમેદવાર પર પ્રહારો કરતા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, 'પૈસાના જોર પર જીતવા નીકળ્યા છે. લોકોની સેવા કરો, લોકોને રોજી રોટી અપાવો, સારા કાર્યો કરો. હું જ્યાં સુધી છું ત્યાં સુધી લોકોની સેવા કરતો રહીશ.'
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, 'હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ તમામ ધર્મના મારા કાર્યકરો છે અને મારા કાર્યકરોનો કોલર જો કોઈ પકડશે તો તેને ગોળી ન મારું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. મારા કાર્યકરોને મારવાનો કોઈ પ્રયાસ કરતા નહીં. ચૂંટણી તો આવશે અને અને જતી રહેશે. હું લડી લેવાની તાકાત ધરાવું છું.'
વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્ર સિંહ અને કનુ ગોહિલ વચ્ચે ચૂંટણી જંગ
આગામી સાતમી મેના રોજ રાજ્યમાં લોકસભા અને પાંચ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. ત્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુ ગોહિલ વચ્ચે જંગ જામશે. આ ચૂંટણી માટે વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે છેલ્લી ઘડીએ ઉમેદવારી પરત ખેંચી હતી અને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી હતી. ભાજપે અશ્વીન પટેલને ટિકિટ આપી હતી. જો કે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી. ત્યારબાદ હવે તેઓ ભાજપમાં જોડાતા ફરી પેટાચૂંટણી યોજાઈ છે.






