મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતથી વતન જતા રત્નકલાકારોને લૂંટવાનો કારસો!! લક્ઝરી બસ સંચાલકોએ ભાડામાં કર્યા બમણાંથી વધુ

સુરતમાં વસતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો દિવાળી પર પોતાના વતન જતાં હોય છે. ત્યારે મોટી સંખ્યામાં જતાં રત્

સુરતથી વતન જતા રત્નકલાકારોને લૂંટવાનો કારસો!! લક્ઝરી બસ સંચાલકોએ ભાડામાં કર્યા બમણાંથી વધુ

સુરતમાં વસતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો દિવાળી પર પોતાના વતન જતાં હોય છે. ત્યારે મોટી સંખ્યામાં જતાં રત્નકલાકારો સહિતના લોકોને લૂંટવાનો કારસો રચાયો હોય તેવું સામે આવ્યું છે. લક્ઝરી બસના સંચાલકો દ્વારા ભાડામાં દિવાળીના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બમણાંથી વધુનો વધારો કર્યો છે.

બમણાં ભાડા વસૂલાય રહ્યા છે

સરકારી બસની અપૂરતી સંખ્યા સામે સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પેસેન્જરોને લઈ જવા લક્ઝરી બસનાં સંચાલકો બમણો ભાવ વસૂલી રહ્યા છે. ડબલના સોફામાં જ્યાં કેપેસિટી બે વ્યક્તિની છે, એમાં ચાર રત્નકલાકારો વ્યક્તિ દીઠ 1000 મળી કુલ 3000થી 4000 રૂપિયા ચૂકવી રહ્યાં છે. ઊના જવા માટે સિંગલનાં સોફાના સામાન્ય દિવસોમાં 800 રૂપિયા હોય છે, હાલ 1600 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં જૂનાગઢ જવાનો ભાવ 650થી 700 રૂપિયા હોય છે, એના 1400 વસૂલવામાં આવી રહ્યાં છે. અમરેલીના 550નાં 1100 રૂપિયા, ભાવનગરના 500 રૂપિયા સામે 800થી 1000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.

રજૂઆત છતાં કોઈ ઉકેલ નહી

ડાયમંડ વર્કર યુનિયનનાં ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, જે રત્નકલાકારો પાસે કામ બચ્યું છે, એમને માંડ 15,000 જેટલો પગાર મળી રહ્યો છે. લકઝરી બસનો ઉપયોગ કરે તો એક પરિવારને 6000થી 6500 રૂપિયા તો વતને જવા આવવાનો ખર્ચ થઈ શકે છે, ત્યારે આવા લોકો દિવાળી કઈ રીતે ઉજવશે એવો પ્રશ્ન સર્જાયો છે. આ મામલે વાહન વ્યવહાર મંત્રી, સુરત શહેર પોલીસ કમિશનર, કલેક્ટર અને ટ્રાફિક વિભાગને ફરિયાદ કરવા છતાં હજી સુધી એ બાબતે યોગ્ય કાર્યવાહી થઈ નથી. જો આ વખતે સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મંદીનાં માર સામે ઝઝૂમતા રત્નકલાકારોને ભારે આર્થિક તકલીફ ઊભી થશે, યુનિયન ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોનાં વિરોધી નથી. પણ વિક્ટ સ્થિતિમાં તહેવાર નિમિત્તે ડબલ ભાવનો ધંધો કરે એ યોગ્ય નથી.

આ સમાચાર શેર કરો