દોડશે ગગદાસ, જીતશે ગુજરાત! વીજળીના ઝટકાએ બંને પગ છીનવ્યા, પણ CMના સાથથી હવે ઓલિમ્પિકના સપનાને લાગી પાંખો
ગાંધીનગર: કહેવાય છે કે ‘મન હોય તો માળવે જવાય’, પણ જ્યા

ગાંધીનગર: કહેવાય છે કે ‘મન હોય તો માળવે જવાય’, પણ જ્યારે મન મક્કમ હોય અને સરકારનો સાથ મળે ત્યારે અશક્ય લાગતા સપનાઓ પણ સાકાર થાય છે. આવી જ એક પ્રેરણાદાયી ગાથા છે વાવ-થરાદના યુવાન ગગદાસ પરમારની. વર્ષ 2017માં એક ભયાનક વીજ અકસ્માતે ગગદાસના બંને પગ છીનવી લીધા હતા, પરંતુ આજે તે જ ગગદાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સહયોગથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ સાથે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા સજ્જ બન્યો છે.
વીજ કરંટથી ગુમાવ્યા હતા બંને પગ
ખેતમજૂર થાનાભાઈ પરમારના પરિવાર માટે 2017નું વર્ષ કાળ બનીને આવ્યું હતું. વીજળીના કરંટને કારણે જુવાનજોધ ગગદાસના બંને પગ એટલી હદે બળી ગયા કે ઘૂંટણ નીચેથી કાપવા પડ્યા. ગરીબ પરિવારે પેટે પાટા બાંધીને 8 થી 10 લાખનો ખર્ચ કરી પુત્રને નવજીવન તો આપ્યું, પણ ગગદાસ માટે જીવનનો અસલી સંઘર્ષ હવે શરૂ થવાનો હતો.
પાલનપુરની હોસ્ટેલથી નેશનલ મેડલ સુધીની સફર
પગ ગુમાવ્યા બાદ પણ આત્મવિશ્વાસ ન ગુમાવનાર ગગદાસે પાલનપુરમાં અભ્યાસ શરૂ કર્યો. ત્યાં તેને કોચ નીલેશભાઈ રબારી મળ્યા, જેમણે તેને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કર્યો. ગગદાસની મહેનત રંગ લાવી અને તેણે માત્ર છ મહિનાની તૈયારીમાં ડિસ્ક થ્રો અને પેરા પાવરલિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ અને કાંસ્ય પદક જીત્યા.
પરંતુ, આંતરરાષ્ટ્રીય સ્તરે દોડવા માટે તેને સામાન્ય પ્રોસ્થેટિક પગને બદલે એડવાન્સ પ્રોસ્થેટિક પગની જરૂર હતી.
મુખ્યમંત્રીની સંવેદનશીલતા: 15 લાખના આધુનિક પગની ભેટ
એડવાન્સ પ્રોસ્થેટિક પગનો ખર્ચ આશરે રૂપિયા 14 થી 15 લાખ હતો, જે ગગદાસના પરિવાર માટે અશક્ય હતો. ગગદાસે હિંમત હાર્યા વગર ગાંધીનગર જઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ ગગદાસની રજૂઆત અત્યંત સંવેદનશીલતાથી સાંભળી અને તાત્કાલિક અસરથી સરકારી સહાય તેમજ CSR ફંડ દ્વારા મદદ પૂરી પાડી. આજે ગગદાસ પાસે તે અત્યાધુનિક પગ છે જેની મદદથી તે મેદાનમાં વીજળી વેગે દોડી રહ્યો છે.
હવે લક્ષ્ય - પેરા ઓલિમ્પિક મેડલ
ગગદાસ હવે રોજ સવારે 100 અને 200 મીટર રેસની સખત પ્રેક્ટિસ કરે છે. તેનું એક જ લક્ષ્ય છે - ઓલિમ્પિકમાં ભારતનો તિરંગો લહેરાવવો અને ગુજરાતનું નામ રોશન કરવું. ગગદાસની આ સફર સાબિત કરે છે કે જો તમારી પાસે અડગ આત્મવિશ્વાસ હોય અને રાજ્યનું નેતૃત્વ સંવેદનશીલ હોય, તો કોઈ પણ અવરોધ તમને રોકી શકતો નથી.
ગગદાસનો મંત્ર: "પગ કપાયા છે, પણ સપનાઓને પાંખો મળી છે. હવે ઓલિમ્પિક મેડલથી ઓછું કંઈ ખપતું નથી!"








