લોકસભા ચૂંટણી : ગુજરાતમાં આ વખતે કેમ થયું ઓછું મતદાન?, ઓછા વોટિંગથી ભાજપ ચિંતિત
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર કુલ 59.51 ટકા મતદાન નોંધાયું. જે

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર કુલ 59.51 ટકા મતદાન નોંધાયું. જે છેલ્લી બે ટર્મ 2014 અને 2019 કરતા ઓછું છે. લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં 64.12 ટકા મતદાન થયું હતું. જે આ વર્ષના મતદાનથી 4 ટકા જેટલું વધારે છે. આ ચૂંટણીમાં સૌથી વધુ વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં ઓછું મતદાન થવાના કેટલાક કારણો સામે આવ્યા છે. આમ, ગુજરાતમાં પાછલા 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન થયું છે.
ઉનાળુ વેકેશન : મે અને જૂન મહિનામાં ઉનાળુ વેકેશન હોવાથી લોકો ફરવા નિકળી જતા હોય છે. જેના કારણે મતદાનમાં થોડા અંશે ઘટાડો થયું હોવાનું અનુમાન છે.
અસહ્ય ગરમી-તાપ : મતદાનના દિવસે રાજ્યમાં અસહ્ય ગરમી પડી હતી. અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું હતું. આમ, આકરી ગરમીના કારણે વૃદ્ધો અને કેટલાક લોકોએ મત આપવાનું ટાળ્યું હોવાનો પણ અંદાજ છે.
લોકોમાં નિરસતા : મોંઘવારી, બેરોજગારી, ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા લોકોની જરૂરિયાતના મુદ્દાઓને ચૂંટણી પ્રચારમાં પ્રાધાન્ય ન અપાયું. લોકોના મુદ્દાઓની અવગણના કરવામાં આવી. જેના કારણે કેટલાક લોકોમાં નિરસતા જોવા મળી અને મતદાન ન કર્યું.
નબળો ચૂંટણી પ્રચાર : કોંગ્રેસે બમણી મહેનત ન કરી, મોટા માથાંઓને ચૂંટણી મેદાનમાં ન ઉતાર્યા, ઝંઝાવાતી પ્રચાર ન કર્યો. સત્તા મેળવવા નહીં માત્ર લડવા ખાતર કોંગ્રેસ ચૂંટણી લડી હોય તેવું દેખાઈ રહ્યું હતું. તો ભાજપના ગણ્યાંગાંઠ્યા ઉમેદવારો સિવાય અન્ય ઉમેદવારોએ સામાન્ય પ્રચાર કર્યો હતો. તો રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપના નેતાઓને પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જેનું કારણ ક્ષત્રિય આંદોલન છે. આમ કોંગ્રેસ અને ભાજપનો નબળો ચૂંટણી પ્રચાર પણ ઓછા મતદાનનું કારણ બન્યો છે.
નેતાઓનો લોકો સાથે ઓછો સંપર્ક : ચૂંટણી દરમિયાન જ નેતાઓ મતદાર વિસ્તારમાં જોવા મળતા હોય છે. ચૂંટણી પત્યા પછી નેતાઓ ગાયબ થઈ જતા હોવાની વાત સામે આવતી હોય છે. આમ નેતાઓનો લોકો સાથે ચૂંટણી બાદ સંપર્ક ઓછો થવો એ પણ ઓછું મતદાન થવાનું એક કારણ છે.
મતદાર યાદીમાં છબરડો : મતદાર યાદીમાં કેટલાક લોકોના તો નામ જ ગાયબ હતા. જેના કારણે તેઓ પોતાના હક અને અધિકાર એવા મતદાનથી વંચિત રહ્યા છે.
ચૂંટણી બહિષ્કાર : ધંધુકાના રતનપર, અમરેલીના રબારીકા, સુરતના સણધરા, રાધનપુરના નજૂપુરા, શેરગઢ, નવા શબ્દલપુરા અને જુના શબ્દલપુરા, ભરૂચના કેસર, અરજણવાવ, બનાસકાંઠાના ભાખરી ગામમાં ચૂંટણી બહિષ્કાર કર્યો હોવાના સમાચાર છે. તો માંગરોળના ભાટગામ, બાલાસિનોરના બોડોલીમાં આંશિક બહિષ્કાર કરાયો હતો. આ તમામ ગામોએ વિવિધ પ્રશ્નો અને માગને લઈને ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોમાં સાંજના પાંચ વાગ્યા સુધીના ઓછા મતદાને ભાજપની ચિંતામાં વધારો કર્યો છે. શરૂઆતમાં આક્રમક અને ત્યારપછી ધીમું મતદાન ઉમેદવારોને પણ મૂંઝવી રહ્યું છે. આ સંજોગોમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહમંત્રી અમીત શાહે પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી મતદાન અંગે સમીક્ષા કરી હતી. રાજ્યમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું હોવાનો રિપોર્ટ સામે આવતાં પ્રદેશના નેતાઓએ મતદારોના વલણ અંગે ચર્ચા કરી હતી. રાજ્યમાં ક્ષત્રિય આંદોલને કેટલી અસર કરી, કઇ બેઠકમાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે તેમજ પાર્ટીની અપેક્ષા પ્રમાણે પ્રત્યેક બેઠકમાં પાંચ લાખની લીડ મળશે કે કેમ તે અંગે મંથન કરવામાં આવી રહ્યું છે.








