'આપ-ભાજપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાય'ના સ્લોગન સાથે સુરતમાં સ્થાનિકોનો વિરોધ
સુરતમાં મહાનગરપાલિકામાં શાસક પક્ષ તરીકે ભાજપ અને વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટ

સુરતમાં મહાનગરપાલિકામાં શાસક પક્ષ તરીકે ભાજપ અને વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી સત્તા સંભાળી રહી છે. ત્યારે કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે. જો કે, આજે સુરતની સોસાયટીઓમાં ગટરના પાણીનો નિકાલ ન થવાના કારણે લોકોને પડી રહેલી હાલાકીને પગલે કોંગ્રેસના નેતા દ્વારા સ્થાનિકોને સાથે લઈને આપ-ભાજપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રજૂઆતોની કોઈ અસર નહીં
પુણાગામ વિસ્તારમાં આવેલી મારુતિ નગર સોસાયટીમાં ગટરિયા પાણીના કારણે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સોસાયટીમાં રીતસરના ગટરિયા પાણીની રેલમેલ થઈ રહી છે. જેના કારણે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિકાલ આવ્યો ન હોવાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બિમારી ફેલાઈ
પૂર્વ નગર સેવક સુરેશ સુહાગીયાએ કહ્યું કે, સત્તા અને વિપક્ષ ભ્રષ્ટાચાર આચરવામાં એક થઈ ગયા હોય સ્થાનિકો તરફ કોઈ ધ્યાન આપતું નથી. ગટરના પાણીના કારણે કોલેરા, જાડા, ઉલટી અને ડેન્ગ્યુ જેવા રોગ પ્રસરી રહ્યા છે. લોકો માંદગીના બિછાને જઈ રહ્યા છે. તેમ છતાં પક્ષ કે વિપક્ષ દ્વારા કોઈ જ ધ્યાન અપાતું નથી. તેથી આજે તમામની આંખ ઉઘાડવા માટે આ પ્રકારનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે.








