મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદમાં તંત્રની ધીમી અને અધૂરી કામગીરીથી સ્થાનિકોમાં રોષ, વરસાદને ટાણે ગંદકીનો કોઈ નિકાલ નહીં

આણંદમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું છે

આણંદમાં તંત્રની ધીમી અને અધૂરી કામગીરીથી સ્થાનિકોમાં રોષ, વરસાદને ટાણે ગંદકીનો કોઈ નિકાલ નહીં

આણંદમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું છે અને મોડે મોડે પ્રિમોન્સુનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જોકે સ્થાનિકો કહી રહ્યાં છે કે સફાઈ યોગ્ય રીતે થઈ રહી નથી. વરસાદ પડશે ત્યારે કાંસમાં યોગ્ય સફાઈના અભાવે પાણી ભરાઈ શકે છે, જેને લઇને સ્થાનિકો આ કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યાં છે. 

આણંદ સિંચાઇ વિભાગ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ શહેરમા વરસાદી પાણી ન ભરાય તે માટે અમીન ઓટોથી મોગરી સુધીના સાડા ત્રણ કીલોમીટરના વરસાદી કાંસની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તંત્ર કામે લાગ્યું છે. જે કામગીરી પ્રિમોન્સૂન એટલે કે વરસાદી સીઝન અગાઉ કરવાની હોય છે, તે કામ આણંદ સિંચાઈ વિભાગ ચોમાસાના સમયગાળા દરમ્યાન કરી રહ્યું છે. અત્યારે આ કામગીરી પૂર્ણ થવી જોઈએ, ત્યારે સિંચાઈ વિભાગ કામગીરી શરૂ કરી રહ્યું છે.  

સૌથી મહત્વની વાત એ છે કે આ કાંસની આજુબાજુ 20થી વધુ સોસાયટીઓ આવેલી છે. કાંસમાં કુંભવેલના લીધે ગંદુ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે, જેથી આ વિસ્તારના રહીશોમા રોગચાળો ફેલાવાનો ભય છે. તંત્રને આ કામગીરી યોગ્ય સમયમાં અથવા વરસાદી સીઝન શરૂ થાય તેના એક મહિના અગાઉ પૂર્ણ કરવી જોઈએ, પરંતુ એસી કેબીનોમાં બેસીને કામગીરી કરતા સરકારી બાબુઓ લોકોને પડતી હાલાકીને જોતાં જ નથી. અહીં થતી કામગીરીનું મોનીટરીંગ નહી થવાને કારણે કોન્ટ્રાક્ટર અમૂક જગ્યા અધુરી રાખતા સ્થાનિકોને તકલીફો વેઠવાનો વારો આવશે, તેના માટે જવાબદાર કોણ? તે એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો