ડભોઈમાં શિકાર માટે ફરતા દીપડાએ માટે દાદી અને પૌત્ર પર કર્યો હુમલો
ગુજરાતમાં અવારનવાર જંગલી જાનવર ગામમાં કે રહેણાંક વિસ્તારમાં શિકાર અર્થે આવી માણસ પર હુમલો કરી જાય છે. એવામાં વડોદરા જિ

ગુજરાતમાં અવારનવાર જંગલી જાનવર ગામમાં કે રહેણાંક વિસ્તારમાં શિકાર અર્થે આવી માણસ પર હુમલો કરી જાય છે. એવામાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં સિંધિયાપુરા ગામે બે વ્યક્તિ પર દીપડા એ હુમલો કર્યો હતો. ગઈકાલે રાતના સમય દરમિયાન એક વૃદ્ધા ભેંસને ઘાસચારો નાખવા વાડામાં ગયા ત્યારે દીપડો અચાનક જ ધસી આવ્યો અને દાદી તથા પૌત્ર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.
દીપડાએ હુમલો કરતા બુમાબુમ થવાના કારણે પરિવાર અને આસપાસના લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો હતો. દીપડાના હુમલામાં 64 વર્ષીય હમિતાબેન રફિકભાઈ સિંધીને મોઢાના ભાગે ઇજા થઈ છે જ્યારે તેમના 12 વર્ષીય પૌત્ર અયાન અલાઉદ્દીન ભાઈ સિંધીને પગના ભાગે ઇજા થઈ છે. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોએ ખાનગી દવાખાને સારવાર લીધી.
આ પણ વાંચો : VIDEO: અમરેલીમાં શિકાર માટે નિકળ્યો સિંહ પરિવાર, સીસીટીવીમાં કેદ ઘટના
ડભોઇ નગરથી માત્ર પાંચ સાત કિ.મી.ના અંતરે આ સિંધિયાપુરા ગામ આવેલ છે. ગામમાં વારંવાર દીપડાઓ આવીને હુમલો કરતા હોય છે તે છતાં વન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. દીપડાએ માનવ જાત પર હુમલો કરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. પીડિતોના પરિવારે વન વિભાગ દ્વારા સત્વરે પાંજરા મૂકી દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.






