મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પત્ની છોડીને જતી રહેતા યુવકે સાબરમતી નદીમાં કૂદવાનો કર્યો પ્રયાસ, MLAએ બચાવ્યો જીવ

અમદાવાદના સાબરમતી નદી પર આવેલા દધીચી બ્રિજ પર આજે (26મી જૂન)

પત્ની છોડીને જતી રહેતા યુવકે સાબરમતી નદીમાં કૂદવાનો કર્યો પ્રયાસ, MLAએ બચાવ્યો જીવ
આ સમાચાર સાંભળો

અમદાવાદના સાબરમતી નદી પર આવેલા દધીચી બ્રિજ પર આજે (26મી જૂન) આપઘાતના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બ્રિજની રેલિંગ પર ચઢીને નદીમાં કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહેલા એક યુવકને સમયસર બચાવી લેવામાં આવ્યો હતો. આ હાઇવોલ્ટેજ ડ્રામાને પગલે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો અને અન્ય લોકોમાં એકઠા થઈ ગયા હતા. જોકે, ત્યાંથી પસાર થઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સમયસૂચકતાના કારણે યુવકનો જીવ બચી ગયો હતો.

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમની ટીમ બની દેવદૂત

પ્રાથમિક માહિતી અનુસાર, એક યુવક માનસિક તણાવમાં આવીને દધીચી બ્રિજની રેલિંગ પર ચઢી ગયો હતો અને નદીમાં છલાંગ લગાવવાની તૈયારીમાં હતો. આ દ્રશ્ય જોઈને બ્રિજ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન ત્યાંથી કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કાફલો પસાર થઈ રહ્યો હતો. બ્રિજ પર ભીડ અને યુવકને આપઘાતનો પ્રયાસ કરતો જોઈ ધારાસભ્ય ખેડાવાલા અને તેમની સુરક્ષા ટીમના સભ્યો તાત્કાલિક ગાડીમાંથી નીચે ઉતર્યા હતા. તેમણે સમય ગુમાવ્યા વિના યુવક નજીક પહોંચીને પહેલા તેને વાતોમાં પરોવી પાછળ હટવા સમજાવ્યો હતો અને ત્યારબાદ તક મળતાં જ તેને સુરક્ષિત રીતે ખેંચીને રેલિંગ પરથી નીચે ઉતારી લીધો હતો. ધારાસભ્ય અને તેમની ટીમના આ સમયસરના હસ્તક્ષેપથી એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

પત્ની છોડીને જતી રહેતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

યુવકને રેલિંગ પરથી નીચે ઉતાર્યા બાદ ધારાસભ્ય દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવકને વધુ પૂછપરછ તથા કાઉન્સેલિંગ માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આપઘાતના પ્રયાસ પાછળ પારિવારિક વિવાદ સામે આવ્યો છે. યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ થોડા સમય બાદ તેની પત્ની તેને છોડીને જતી રહી હતી.

યુવકે દાવો કર્યો છે કે તેની પત્નીએ તેનાથી અલગ થયા બાદ અન્ય એક વ્યક્તિ સાથે બીજા લગ્ન કરી લીધા છે, જેના આઘાતમાં અને પરેશાનીમાં આવીને તેણે આ આત્યંતિક પગલું ભરવાનું નક્કી કર્યું હતું. જો કે, પોલીસે યુવકના આ દાવાઓ અંગે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો