લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો વોટસએપથી માગતા ખંડણી, ગુજરાતમાંથી 4 દબોચાયા
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ અને બાબા સિદ્દીકી તથા મુસેવાલાની હત્યાથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ ભારે

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ અને બાબા સિદ્દીકી તથા મુસેવાલાની હત્યાથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ ભારે ચર્ચામાં આવી છે.રાજસ્થાન રાજ્યમાં કુચામનસિટીમાં વેપારીઓ પાસેથી લોરેન્સ બીશ્નોઈ ગેંગ દ્વારા ખંડણી માંગવા અંગેના અતિ ચર્ચાસ્પદ ગુનામાં સંડોવાયેલા 4 શકમંદ ઇસમોને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા હતા. હાલ તમામ સામે તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ કરાયો છે.
આ પણ વાંચોઃ હીરા ઉદ્યોગના ઈતિહાસની સૌથી મોટી મંદી! 17 લાખ રત્નકલાકારોના ભાવિ અધ્ધરતાલ
2 કરોડની ખંડણી માગી
રાજસ્થાન રાજ્યમાં ડીડવાના જિલ્લામાં કુચામન સિટીમાં કુખ્યાત લોરેન્સ બીશ્નોઈ ગેંગના મુખ્ય સૂત્રધાર રોહિત ગોદારા તેમજ વિરેન્દ્રસિંહ ચારણ અલગ અલગ વેપારીઓને ગત તા. 27 નવેમ્બરથી 30 નવેમ્બર 2024 દરમિયાન અલગ અલગ વિદેશી નંબરો દ્વારા વોટસએપ કોલ અને વોટસએપ વોઇસ મેસેજ દ્વારા 'લોરેન્સ ગોદારા ગેંગના માણસો બોલીએ છીએ અને અમોને 2 કરોડની ખંડણી નહિ આપો તો તમારા વેપારના સ્થળો અને પરિવારના સભ્યોના પ્રસંગો અને આવન-જાવનના રસ્તાઓની રેકી કરી રાખેલી છે. તો તમામને ખંડણી નહીં આપો તો જાનથી મારી નાખીશું' જેવી ધમકીઓ આપી હતી.
સાગરીતો મુંબઈ તરફ નાસેલા
કુચામન સિટીમાં રહેતા સફીકખાન હાકમઅલીખાન કયામખની તથા સરફરાજ ઉર્ફે વિક્કીખાન અજીજખાન કયામખનીએ લોરેન્સ ગેંગને વેપારીઓની રેકી કરી વેપારીઓના ધંધાના સ્થળો, રોજબરોજની દૈનિક ક્રિયાઓ અને તેઓના ઘરોમાં આયોજન થનાર તમામ પ્રસંગો તથા પરિવારની વ્યક્તિગત માહિતીઓ પૂરી પાડી મદદ કરી, હાલમાં સફીકખાન અને સરફરાજખાન ઉર્ફે વિક્કીખાન રાજસ્થાનના કુચામન સિટી ખાતેથી એક ફોર વ્હીલ કારમાં પોતાના સાગરીતો સાથે મુંબઈ તરફ ભાગેલો છે જેવી માહિતી કુચામન સિટી પોલીસ તરફથી મળી હતી.
આ રીતે પકડાયા
સુરત જિલ્લામાં LCB, પેરોલ ફ્લો તથા SOG પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને નેશનલ હાઇવે નં. 48 ઉપર અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરીને વોચમાં હતા. તે સમયે કામરેજ ટોલનાકા પાસે ફોર વ્હીલ કારને રોકીને સફીકખાન હાકમઅલીખાન કેમખની, સરફરાજખાન ઉર્ફે વિક્કી અજીજ ખાન નઝીરખાન, સોયેબખાન આબીદખાન અને રહીમખાન ઈરફાનખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ ચારેય આરોપીઓનો કબજો રાજસ્થાન રાજ્યના કુચામન સિટી પોલીસને સોંપ્યો હતો.








