જમીન ફાળવણી માટે નહીં જોવી પડે ગાંધીનગરની રાહ: જિલ્લાકક્ષાએ કલેક્ટર-DDOની સત્તામાં મોટો વધારો
Gujarat Collector DDO Financial Power Increase : ગુજરાતમાં જિલ્લા કક્ષાએ વહીવટી પ

Gujarat Collector DDO Financial Power Increase : ગુજરાતમાં જિલ્લા કક્ષાએ વહીવટી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બને તે માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં સામાજિક, ઔદ્યોગિક અને વિવિધ સરકારી આયોજનો માટે જમીન ફાળવણીની પ્રક્રિયાને ઝડપી બનાવવા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની (DDO) નાણાકીય સત્તામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કલેક્ટરની નાણાકીય સત્તામાં 7 ગણો જ્યારે ડીડીઓની સત્તામાં પાંચેક ગણો વધારો કરાયો છે. જેનાથી હવે અનેક વિકાસલક્ષી કાર્યો માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવવાની રાહ જોવી પડશે નહીં.
કલેક્ટરની નાણાકીય સત્તામાં કરાયેલો મહત્વનો વધારો
કેન્દ્ર સરકારના વિભાગો માટે 1 હેક્ટર સુધીની જમીન ફાળવણી: અગાઉની મર્યાદા 15 લાખ રૂપિયા હતી, જે વધારીને હવે 50 લાખ રૂપિયા કરવામાં આવી છે.
સરકારી કર્મચારી અથવા વ્યક્તિગત રહેઠાણ હેતુ માટે જમીન ફાળવણી: અગાઉની મર્યાદા 1 લાખ રૂપિયા હતી, જે વધારીને 20 લાખ રૂપિયા કરાઈ છે.
સહકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણી: અગાઉની મર્યાદા 6 લાખ રૂપિયા હતી, જે વધારીને 50 લાખ રૂપિયા કરાઈ છે.
વ્યાપારિક હેતુ માટે (હરાજી દ્વારા) જમીન ફાળવણી: અગાઉની મર્યાદા 1 લાખ રૂપિયા હતી, જે વધારીને 5 લાખ રૂપિયા કરાઈ છે.
સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ માટે જમીન ફાળવણી: અગાઉની મર્યાદા 3 લાખ રૂપિયા હતી, જે વધારીને 15 લાખ રૂપિયા કરાઈ છે.
જિલ્લા વિકાસ અધિકારી (DDO) ની નાણાકીય સત્તામાં કરાયેલો વધારો
વ્યક્તિગત રહેઠાણ માટે ગામતળ પ્લોટમાં ફાળવણી: અગાઉની મર્યાદા 20 હજાર રૂપિયા હતી, જે વધારીને 1 લાખ રૂપિયા કરાઈ છે.
સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે ગામતળ પ્લોટમાં ફાળવણી: અગાઉની મર્યાદા 1.5 લાખ રૂપિયા હતી, જે વધારીને 7.5 લાખ રૂપિયા કરાઈ છે.
દૂધ મંડળી, સહકારી ગોડાઉન અને ગ્રામીણ ગ્રીડ માટે ગામતળ પ્લોટમાં ફાળવણી: અગાઉની મર્યાદા 20 હજાર રૂપિયા હતી, જે વધારીને 1 લાખ રૂપિયા કરાઈ છે.
વહીવટી કામગીરીમાં આવશે વિશેષ વેગ
અગાઉ સરકારી પ્રોજેક્ટ્સ તેમજ વિવિધ ફાળવણી માટેની ફાઇલો રાજ્ય સરકાર સુધી મંજૂરી અર્થે મોકલવી પડતી હતી, જેના કારણે પ્રક્રિયામાં સમય વેડફાતો હતો. હવે નવી વ્યવસ્થા અનુસાર જિલ્લા કક્ષાએ જ આ નિર્ણયો લેવાની સત્તામાં વધારો થવાથી સરકારી પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક અને સામાજિક હેતુસરની જમીન ફાળવણીની કામગીરી ખૂબ જ ઝડપથી પાર પડશે અને નાગરિકો તેમજ સંસ્થાઓને રાહત મળશે.








