ધડાકા સાથે આખો ટેમ્પો સળગી ઊઠ્યો: નખત્રાણામાં ભંગાર ખાલી કરતી વખતે સર્જાયો ભયાનક અકસ્માત, 4ના મોત

કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર નજીક એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો છે. એક મીની ટેમ્પોમાં રહેલી ડીઝલની ટાંકીમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થતાં ગંભીર દુર્ઘટના ઘટી હતી. આ ભયાનક ધડાકામાં બે માસૂમ બાળકો અને તેમના પિતા સહિત કુલ 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. એક જ પરિવારના સભ્યો હોવાની આશંકા વચ્ચે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નખત્રાણામાં ટેમ્પોમાં બ્લાસ્ટ થતાં 2 બાળકો સહિત 4ના મોત
પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક વિગતો મુજબ, મામદ ઈલિયાસ કુંભાર અને તેનો સગો નાનો ભાઈ નૂરમામદ ઈલિયાસ કુંભાર મીની લોડીંગ ટેમ્પોમાં ભંગારની ફેરીનો ધંધો કરતા હતા. શનિવારે(22 ઓગસ્ટ) મામદ અને તેનો ભાઈ ગામમાં ફેરી કરીને મીની ટેમ્પોમાં ભંગાર એકઠો કરીને સાંજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં ટેમ્પોમાંથી તેઓ ભંગાર ખાલી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ટેમ્પોની ડીઝલની ટાંકીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે હાજર બે બાળકો સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે.

