ઈસ્કોન બ્રિજ ઉપર આઈસરનું ટાયર ફાટ્યું, પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાતા મહિલા અને યુવક ગંભીર ઈજાગ્રસ્ત

અમદાવાદના SG હાઈવે પર ઇસ્કોન બ્રિજ ખાતે અકસ્માતનો બનાવ બન્યો છે. બુધવારે(12 ઓગસ્ટ) એક આઇસર ગાડીનું ટાયર ફાટતાં રસ્તા પર જ ગાડી રોકવી પડી હતી. એટલામાં પાછળથી આવતી કારની આઇસર સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ જતાં બ્રિજ પર ઇસ્કોન ક્રોસ રોડની ઉપર ટ્રાફિક થયો છે. બીજી તરફ, કારમાં સવાર મહિલા અને યુવક ઈજાગ્રસ્ત થતાં 108 એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના SG હાઈવે પર ઈસ્કોન બ્રિજ ખાતે અકસ્માત
મળતી માહિતી મુજબ, શહેરના કર્ણાવતીથી રાજપથ ક્લબ જતાં ઇસ્કોન બ્રિજ પર એક આઇસર ગાડીનું ટાયર ફાટતા તેને રોડ પર જ ઉભી રાખવાની ફરજ પડી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક સ્વીફ્ટ કાર ધડાકાભેર તેની સાથે અથડાઈ હતી.
આઈસરનું ટાયર ફાટતાં પાછળથી કાર ધડાકાભેર અથડાઈ
આ દુર્ઘટનામાં કારમાં સવાર યુવક અને એક મહિલાને ઇજા થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જઈને દાખલ કરાયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આઇસર ટ્રકમાં ત્રણ ટન જેટલો વજન ભરેલો છે. ટ્રક ચાલક અસલાલી તરફથી માલ ભરીને જોધપુર તરફ જતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

