“ભાજપે વાસણભાઈ આહીરની સતત અવગણના કરી સાઈડલાઈન કર્યા”, કચ્છમાં કોંગ્રેસના વરિષ્ઠ આહીર નેતાએ કર્યો ધડાકો
Lok Sabha Election 2024 :કચ્છમાં ક્ષત્રિયોના ઠેર ઠેર વિરોધ વ

Lok Sabha Election 2024 :કચ્છમાં ક્ષત્રિયોના ઠેર ઠેર વિરોધ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ આહીર નેતા વી.કે. હુંબલે વિનોદ ચાવડા અને ભાજપ દ્વારા અંજારના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપના સિનિયર નેતા વાસણ આહીરની સતત અવગણના કરાઈ રહી હોવાની રાજકીય સળી કરતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ આહીર નેતા વી.કે હુંબલે આહીર સમાજજોગ અપીલના નામે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું છે કે 2002ની વિધાનસભા ચૂંટણીઓની જેમ વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે. વી.કે હુંબલે દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં સાંસદ વિનોદ ચાવડા અને ભાજપ દ્વારા કદ્દાવર આહીર નેતા વાસણભાઈ આહીરની સતત અવગણના કરી તેમને સાઈડલાઈન કરી દેવાયાં છે. ચૂંટણી પ્રચારમાં કોઈ રીસાયેલાં હોય તો તેમને મનાવવા પૂરાં પ્રયાસો થાય છે, પરંતુ કચ્છમાં સૌથી વધુ જનાધાર ધરાવતાં વાસણભાઈને પ્રચારમાં આવવાનું પણ કહેવામાં આવતું નથી.
વી.કે હુંબલે કહ્યું કે અંજાર વિધાનસભા ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનના વાસણભાઈનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. અંજારમાં ભાજપે આહીર સમાજનું સંમેલન રાખ્યું તેમાં ભાજપના પ્રદેશ મંત્રી રઘુ હુંબલને બોલાવ્યાં પરંતુ વાસણભાઈ આહીરને આમંત્રણ પણ આપવામાં આવ્યું ન હતું અને તેમની બાદબાકી કરી દેવાઈ હતી. વાસણભાઈ જ નહીં તેમના પુત્રોની પણ સતત અવગણના કરાઈ છે. ભાજપના નેતાઓ તેમને કદ પ્રમાણે વેતરી દેવા માંગતા હોવાનો હુંબલે દાવો કર્યો છે.
વી.કે હુંબલે કહ્યું કે વાસણભાઈ અને આહીર સમાજની આ અવગણનાથી તેમના સમર્થકોમાં ભારે આક્રોશ છે, જે ભાજપને ભારે પડશે. તેમણે પૂછ્યું, કચ્છ ભાજપ કોના દબાણ હેઠળ વાસણભાઈની સતત અવગણના કરે છે? 1995થી 2022 સુધી સતત જીતતાં આવ્યાં છે. અગાઉ 2002માં જયારે વાસણભાઈની ટિકિટ કપાયેલી તે સમયે કચ્છમાં ભાજપે વિધાનસભાની ચાર બેઠકો ગૂમાવેલી, આ વાસણભાઈના ચાહકો અને કાર્યકરોનો ગુસ્સો હતો. હવે તેવું જ આ લોકસભામાં પણ થાય તેમ છે. તેમણે ભાજપ વિરોધ મતદાન કરવા વાસણભાઈની અવગણનાનો બદલો લેવા આહીર સમાજને અપીલ કરી છે.






