ગુજરાતમાંથી કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણ, પંકજ પટેલને પદ્મ ભૂષણ, જાણો તેમના વિશે
Kumudi Lakhia received Padma Vibhushan and Pankaj Patel received Padma Bhushan | Padma Award 2025 : આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારો 2025 મ

Padma Award 2025 : આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારો 2025 માટેના પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઘણા એવોર્ડ વિજેતાઓ ગુજરાતના છે. ગુજરાતમાંથી 6 મહાનુભાવોને પદ્મશ્રી, તો 1-1 મહાનુભાવોને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ મળ્યો છે. ગુજરાતમાંથી કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણ અને પંકજ પટેલને પદ્મ ભૂષણ મળ્યો છે.
કુમુદિની લાખિયા : પદ્મ વિભૂષણ - કલા
કુમુદિની લાખિયાનો જન્મ 17 મે 1930ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ એક ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા (કોરિયોગ્રાફર) છે. અમદાવાદમાં તેમણે ઈ.સ.1967માં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત આ એક સંસ્થા છે.
તેઓ સમકાલીન કથક નૃત્યના અગ્રેસર કલાકાર છે. 1960ના દાયકાથી શરૂ કરી કથકના એકલ સ્વરૂપથી દૂર જઈ, તેમણે તેને સમૂહ નૃત્યના સ્વરૂપમાં ફેરવીને પ્રદર્શિત કર્યો. આ સાથે તેમણે પરંપરાગત વાર્તાઓને બદલે તેમાં સમકાલીન વાર્તાના પાત્રોમાં પણ ઉમેર્યા. કથક ક્ષેત્રે આવા નવતર પ્રયોગોનો શ્રેય તેમને આપવામાં આવે છે.
તેમણે તેમની કારકિર્દીની શરૂઆત રામ ગોપાલ સાથે કરી હતી. તેઓ રાજ ગોપાલના પશ્ચિમ દેશના પ્રવાસે જનાર નૃત્યુ જૂથમાં જોડાયા હતા. આ પ્રાવાસમાં તમણે વિદેશી લોકો સમક્ષ પહેલી વાર ભારતીય નૃત્ય પ્રદર્શિત કર્યું અને ત્યાર બાદ તેઓ સ્વપ્રયત્ને નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા બન્યા. તેમણે પહેલા જયપુર ઘરનાના વિવિધ ગુરુઓ અને પછી શંભુ મહારાજ પાસેથી શિક્ષણ મેળવ્યું.
તેઓ ખાસ કરીને તેમના બહુ-કલાકારો ધરાવતા (સામુહિક) નૃત્ય નિર્દેશન માટે જાણીતા છે. તેમના સૌથી પ્રસિદ્ધ નિર્દેશન આ મુજબ છે: ધબકાર, યુગલ, અને અતહ કિમ (ક્યાં હવે?), જે તેમણે 1980માં દિલ્હીમાં વાર્ષિક કથક મહોત્સવ દરમ્યાન પ્રદર્શિત કર્યો હતો. તેમણે ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (1981)માં નૃત્ય નિર્દેશન પણ કર્યું હતું.
તેઓ કથક નૃત્યકારો અદિતી મંગલદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઈ, દક્ષા શેઠ, મૌલિક શાહ, ઇશિરા પરીખ, પ્રશાંત શાહ, ઊર્જા ઠાકોર અને પારુલ શાહ સહિતના ઘણા શિષ્યોના ગુરુ છે.
પંકજ પટેલ: પદ્મ ભૂષણ - વેપાર અને ઉદ્યોગ
પંકજ રમણભાઈ પટેલનો જન્મ 16 માર્ચ 1953માં થયો હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીની કોલેજ ઓફ ફાર્મસીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસીની ડિગ્રીઓ અને મુંબઈ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન અને કાયદામાં બેચલર ઓફ આર્ટસની ડિગ્રીઓ મેળવી છે.
પંકજ પટેલ એક ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ છે અને ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફસાયન્સના ચેરમેન છે, જે વિશ્વભરના 55 દેશોમાં કાર્યરત દવા બનાવતી કંપની છે. તેઓ ઝાયડસ ફાઉન્ડેશનના બોર્ડના ડિરેક્ટર અને ચેરમેન પણ છે. તેમણે ઝાયડસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, દાહોદની સ્થાપના કરી હતી. તેઓ IIMA બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન છે.
ઓક્ટોબર 2024માં પંકજ પટેલ ફોર્બ્સની ભારતના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં 24મા ક્રમે હતા, તેમની કુલ સંપત્તિ $10.2 બિલિયન હતી.








