'પુત્ર જન્મની ખુશીમાં માતાપિતા પેંડા વહેંચે છે, મોટા થઈને એ પુત્રો માબાપ વહેંચે છે': સ્વામી પ્રેમવત્સલદાસ
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં "માતૃપિતૃ ઋણ” સમજાવતું

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં "માતૃપિતૃ ઋણ” સમજાવતું સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત "માતાપિતાની સેવા" નામનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા આ પુસ્તક તૈયાર કરાયું હતું.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આ પુસ્તક પ્રકાશન પ્રસંગે જણાવ્યું હતું કે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.. એ આપણી સંસ્કૃતિ છે. દરેક સંતાનોની ફરજ છે કે,માતાપિતાની સેવા કરવી જોઈએ. પુત્રનો જન્મ થાય ત્યારે માતાપિતા પેંડા વહેંચે છે. અને એ જ પુત્રો મોટા થઈને માતાપિતાને વ્હેંચે છે. એક માતાપિતા ચાર સંતોનોને મોટા કરી શકે છે. પરંતુ ચાર પુત્રો માટે માતા પિતાને સાચવવા વારા પાડવા પડે છે.
સંસારની બે મોટી કરુણતા છે, ઘર વિનાની મા અને મા વિનાનું ઘર...તેવી પરિસ્થિતિ ઊભી ના કરતા. આજે ઘણા સંતાનો જીવતા મા- બાપને ચૂપ કરે છે અને તેમના મૃત્યુ પછી તેમને ધૂપ કરે છે. તેનો અર્થ શું છે ? જે પિતાએ જીંદગીભર ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘણપણમાં અંગૂઠો ક્યારેય ના બતાવતા,નહીં. જો આવું થયું તો જીવનમાં કયારેય સુખી નહી થવાય. તમો તમારા માતાપિતાની સેવા કરશો, તો જ તમારાં સંતાનો તમારો આદરભાવ જોઈને તમારી સેવા કરશે.
સંતાનો યાદ રાખજો કે, તું જન્મ્યો ત્યારે તું રડતો હતો, મા હસતી હતી.. હવે એટલું ધ્યાન રાખજે, તું હસતો હોય ત્યારે મા રડતી ના હોય. મા - બાપની આંખોમાં બે વાર આસું આવે છે. 'દીકરી ઘર છોડે છે ત્યારે અને દિકરો તરછોડે ત્યારે'.. જીવનમાં આવી ભૂલ ક્યારેય ના કરતાં. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ લોકોને આ પુસ્તક વિનામૂલ્યે ભેટમાં આપવામાં આવ્યું હતું.






