લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય આંદોલનને પગલે રાજ્યમાં સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા વધી
ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનના કારણે સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં વધારો થવાની સંભાવન

ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનના કારણે સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. હાલ રાજ્યની પોલીસ દ્વારા રાજ્યની 25 સંસદીય બેઠકો પરથી વિગતો મંગાવવામાં આવી રહી છે કે, જ્યાં કુલ 49140 મતદાન મથકો પર 7મી મેએ મતદાન થવાનું છે.
લોકસભાની 25 બેઠક માટે રાજ્યમાં 13 હજાર સંવેદનશીલ મતદાન મથકો જાહેર
ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં આમ તો 13 હજાર કરતાં વધુ મતદાન મથકોને સંવેદનશીલ માનવામાં આવ્યા છે પરંતુ ક્ષત્રિય આંદોલનના પ્રભાવને કારણે જેના માટે આંદોલન શરૂ થયું છે તેવી રાજકોટ બેઠક માટે સંવેદનશીલ મતદાન મથકોમાં 210નો વધારો થયો છે, એટલે કે 1000 કરતાં વધુ મથકો સંવેદનશીલની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં 4.97 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. રાજ્યની 25 લોકસભા બેઠકોમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મતદાન મથકોની આસપાસ નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ મથકો શોધી કાઢવામાં આવતા હોય છે કે જ્યાં વધારે પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવે છે.
રાજકોટમાં 1032 મથકો સંવેદનશીલ જાહેર
રાજ્યના પોલીસ વડા સમક્ષ આવેલા આંકડાના આધારે ચૂંટણી પંચ નક્કી કરે છે કે ક્યું મથક સંવેદન કે વધારે સંવેદન છે.રાજ્યમાં ક્ષત્રિય આંદોલનના કારણે રાજકોટ બેઠક પર સંવેદનશીલ મથકોની સંખ્યા વધી રહી છે, એવી જ રીતે લોકસભાની બીજી બેઠકોમાં પણ સંખ્યા વધવા સંભવ છે. સંવેદનશીલ મથકોમાં પોલીસની સાથે પેરા મિલિટરી ફોર્સ અને માઇક્રો ઓબ્ઝર્વરને હાજર રાખવામાં આવશે. એકલા રાજકોટમાં 2232 પૈકી 1032 મથકો સંવેદનશીલ જાહેર થયેલાં છે. 2019ની સરખામણીએ મથકોની સાથે મતદાન થવાનું છે તે બિલ્ડિંગમાં પણ વધારો થયો છે. હાલ રાજ્યમાં 72 જેટલી કેન્દ્રીય ટુકડીઓ છે અને બીજી 112 ટુકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.








