"રાત્રે બારી ખખડાવતો, સગીરાની પજવણી કરતો; પોલીસ ફરિયાદ કરવા જતાં યુવકે માતા-પિતા સાથે મળી આચર્યું શરમજનક કૃત્ય!"

અમદાવાદના બહેરામપુરામાં રહેતી 15 વર્ષીય સગીરાની અવારનવાર છેડતી કરતા પડોશી યુવક સામે પોલીસ ફરિયાદ કરવા જતાં રોષે ભરાયેલા યુવક તથા તેના માતા-પિતાએ શુક્રવારે(16 ઓક્ટોબર) સવારે સગીરા અને તેની માતા પર હુમલો કરી લાતો-ફેંટોનો માર માર્યો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસે પીડિતાની માતાની ફરિયાદના આધારે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સગીરાની છેડતી-હેરાનગતિની ફરિયાદ કરવા જતાં પરિવાર પર હુમલો
પોલીસ ફરિયાદ અનુસાર, બહેરામપુરામાં રહેતી 44 વર્ષીય મહિલા છૂટક મજૂરી કરી પોતાની બે પુત્રીઓનું ગુજરાન ચલાવે છે. મહિલાના પતિનું અગાઉ અવસાન થયેલું છે. તેમની પડોશમાં રહેતો એક યુવક અવારનવાર મોડી રાત્રે તેમના ઘરની બારી ખખડાવી હેરાન કરતો હતો. તેમજ ફરિયાદીની 15 વર્ષીય સગીર પુત્રીની છેડતી કરી પજવણી કરતો હતો.
15 ઓક્ટોબરની રાત્રે આ મામલે મહિલાના કુટુંબી દિયરે યુવકને ફોન પર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઉશ્કેરાઈ ગયો હતો અને 'હું તો હેરાન કરીશ જ' તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી પરિવારે પોલીસ મથકે જઈ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ સમાજના આગેવાનોએ વચ્ચે પડી સમજાવટ કરતાં તે સમયે ફરિયાદ ટાળવામાં આવી હતી.
પડોશમાં રહેતા યુવક અને પરિવાર સામે ફરિયાદ
દરમિયાન 16 ઓક્ટોબરના રોજ સવારે યુવક, તેના પિતા અને માતા એકસંપ થઈ મહિલાના ઘર આગળ પહોંચ્યા હતા. 'તમે કાલે મારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવા કેમ ગયા હતા? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, મારું કોઈ કંઈ બગાડી નહીં શકે' તેમ કહી ઉશ્કેરણીજનક શબ્દો બોલી યુવકે ધમકી આપી હતી. સગીરાએ શાંતિથી રહેવાની વાત કરતાં યુવકે તેના પર હુમલો કરી દીધો હતો. માતા વચ્ચે પડતાં યુવકના માતા-પિતાએ પણ તેનું ઉપરાણું લઈ માતા અને સગીરા બંનેને લાતો-ફેંટોનો માર મારવાનું શરૂ કર્યું હતું. ચાલીના સ્થાનિક રહીશો દોડી આવતાં બંનેનો બચાવ થયો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






