મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિ હોસ્પિટલ અંગે વધુ એક ઘટસ્ફોટ, આરોગ્ય વિભાગને અંધારામાં રાખી કર્યા આ કામો

Khyati Hospital PMJAY Scam : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 10 નવ

ખ્યાતિ હોસ્પિટલ અંગે વધુ એક ઘટસ્ફોટ, આરોગ્ય વિભાગને અંધારામાં રાખી કર્યા આ કામો

Khyati Hospital PMJAY Scam : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા  10 નવેમ્બર 2024ના રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં ફ્રી આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો હતો. બાદ બોરીસણા ગામમાંથી 19 લાભાર્થીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા લાવવામાં આવ્યા હતા, જ્યાં કોઈપણ પ્રકારની જાણ વિના 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી આમાંથી 2 લોકોના મોતનો ગ્રામજનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે. 

આ પણ વાંચો :  ખ્યાતીકાંડ : બોરીસણા ગામના એક વૃદ્ધે કહ્યું, “ખોટું બોલ્યો, નહીંતર હું પણ મરી ગયો હોત!”

હવે મળતી જાણકારી મુજબ ખ્યાતિ હોસ્પિટલે બોરીસણા ગામમાં કરેલો આ મેડિકલ કેમ્પ આરોગ્ય વિભાગની મંજૂરી લીધા વગર કર્યો હતો અને અગાઉ 4 કેમ્પ આ રીતે જ કર્યા હતા, જેની વિગત આ મુજબ છે : 

(1) માર્ચ-2023માં ખંડેરાવપુરા પ્રાથમિક શાળામાં કેમ્પ યોજ્યો હતો,  જેમાંથી કુલ 13 દર્દીઓ હોસ્પિટલ લઇ જવાયા હતા.  4 દર્દીઓનું  ઓપરેશન કરાયું હતું, જેમાં કોઈ મોત નથી.

(2) સપ્ટેમ્બર-2024માં કણજરી ગામ પ્રાથમિક શાળામાં કેમ્પ યોજ્યો હતો, જેમાંથી  કુલ 12 દર્દીઓને હોસ્પિટલ લઇ જવાયા, જેમાં કોઈ પણ દર્દીનું ઓપરેશન નથી કરાયું.

આ પણ વાંચો : ખ્યાતીકાંડ : દર્દીને આંખની તકલીફ હતી પણ કાર્ડિયોગ્રામ કાઢ્યો

(3) ઓક્ટોમ્બર-2024માં લક્ષ્મણપુરા ગામની દૂધ મંડળી ખાતે કેમ્પ યોજયો, જેમાંથી કુલ 5 દર્દીઓને હોસ્પિટલમાં લઇ જવાયા, જેમાં 3 દર્દીઓના ઓપરેશન કરાયા.

(4) ઓક્ટોમ્બર-2024માં વાઘરોડા ગામે પ્રાથમિક શાળામાં કેમ્પ યોજ્યો, જેમાંથી કુલ 23 દર્દીઓને હોસ્પિટલમાં લઇ જવાયા હતા. 20 દર્દીઓની એન્જીઓગ્રાફી કરાઈ, જેમાં 1 દર્દીનું મોત નીપજ્યું હતું. 

(5) 10 નવેમ્બર 2024ના રોજ બોરીસણા ગામે કેમ્પ યોજ્યો હતો, જેમાંથી કુલ 19 દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કુલ 7 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યાં હતા, જેમાંથી 2 દર્દીઓના મોત  થયા છે, અન્ય 4 દર્દીઓ ICUમાં સારવાર હેઠળ છે અને એક દર્દી સ્વસ્થ થયું છે. 

સરકારી યોજનાના નામે મોતનો વેપલો

આ સાથે બોરીસણાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકારી યોજનાના નામે મોતનો વેપલો ચાલતો હોય તેમ મૃતકના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલા હોવાનું સામે આવ્યું હતુ. દર્દીઓના સગાઓએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડ કરી છે. જોકે ખ્યાતિ હોસ્પિટલ પર કૌભાંડનો આ પહેલો આક્ષેપ નથી, આ પહેલા પણ વર્ષ 2022માં આવી જ રીતે હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં સાણંદના તેલાવ ગામમાં આરોગ્ય કેમ્પ યોજી લોકોને હોસ્પિટલ લાવ્યા હતા. જેમાં પણ ત્રણ દર્દીનું મોત થયું હતું. જોકે ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 2022માં દર્દીના પરિવારજનોએ આવો જ આરોપ મૂકી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જોકે, તે વિશે કંઈ નક્કર માહિતી સામે આવી દર્દીઓને ન્યાય મળે તે પહેલાં જ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફરી કેમ્પ યોજી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. હાલ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે અને દર્દીઓને ન્યાય અપાવવાનું આશ્વાસન પણ આપ્યું છે. જોકે, સત્ય હકીકત શું છે અને દર્દીના મોતનું કારણ તો તપાસ બાદ જ સામે આવશે.

કેમ્પની કોઈ મંજૂરી લીધી નથી, પૈસા કમાવવાની લ્હાયમાં ઓપરેશન કરી દેવાયા : જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી બેદરકારીને લઈને મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાએ નિવેદન આપ્યું છે કે, ‘ખ્યાતિ હોસ્પિટલને આવા કોઈ કેમ્પની મંજૂરી માંગી નહતી કે તંત્ર દ્વારા આવી કોઈ મંજૂરી આપવામાં આવી નહતી. બોરીસણા ગામમાં આ કેમ્પ યોજ્યો એની જિલ્લા-તાલુકા તંત્ર તો શું પણ ગામના આજુબાજુના લોકોને પણ ખબર નહતી. ફક્તને ફક્ત બોરીસણા ગામના આયુષ્માન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે.”

આ સમાચાર શેર કરો