VIDEO: ખેડાઃ માતર CHCમાં ડોક્ટરની તાનાશાહી, ગરીબ દર્દીઓ રામ ભરોસે
ખેડા જિલ્લાના માતર તાલુકાનું 4.50 કરોડના ખર્ચે બનેલું અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી એકવાર વિવાદોમાં સપડાયું છે. જ્યાં ફરજ પરના ડોક્ટર આશુતોષ પટેલની તાનાશાહી અને ઘોર બેદરકારીના કારણે આ હોસ્પિટલ માત્ર શોપીસ બનીને રહી ગઈ છે. હોસ્પિટલના દરવાજા ખુલ્લા હોવા છતાં ડોક્ટર ગેરહાજર રહેતા હોવાથી ગરીબ દર્દીઓને કલાકો સુધી સારવાર વિના બેસી રહેવાની ફરજ પડી રહી છે. સવારના ૯ વાગ્યાથી દર્દીઓના સગા સતત ફોન કરી રહ્યા હોવા છતાં બપોરના 1 વાગ્યા સુધી ડોક્ટરનો કોઈ પતો ન હતો, જ્યારે હોસ્પિટલ સ્ટાફે એવો લૂલો બચાવ કર્યો હતો કે ડોક્ટર નવ વાગ્યાના જમવા ગયા છે. આટલું જ નહીં, ડોક્ટર આશુતોષ પટેલે ગંભીર અને બેભાન હાલતના દર્દીઓને પણ સારવાર આપવાના બદલે અન્ય હોસ્પિટલમાં રીફર કરી દીધા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે, જેને પગલે દર્દીઓના સ્વજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

